ચોટીલા-લીંબડી હાઈ-વે પર બાયોડિઝલના વેચાણ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
૧૬૫૯૦ લીટર ડીઝલ સાથે નોકર-ટ્રક ડ્રાઈવર પકડાયા: મુખ્ય સૂત્રધાર ચોટીલાનો દિવ્યેશ ઉર્ફે દેવું ફરાર
નાની ઓરડીમાંથી ડીઝલનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું’તું છતાં સ્થાનિક પોલીસ અંધારામાં !
સ્ટેટ મોનિટરિંગ સેલે ચોટીલા-લીંબડી હાઈ-વે પર દરોડો પાડીને બાયોડિઝલના વેચાણના ગોરખધંધાને પકડી પાડતાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એસએમસીએ સ્થળ ઉપરથી ૧૬૫૯૦ લીટર ડીઝલ સાથે પંપનો નોકર તેમજ એક ટ્રક ડ્રાઈવરને પકડ્યો છે જ્યારે મુખ્ય સૂત્રધાર એવો ચોટીલાનો દિવ્યેશ ઉર્ફે દેવું ફરાર થઈ જતાં તેને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.બારોટ સહિતની ટીમે ચોટીલા-લીંબડી હાઈ-વે પર ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં યુપી-બિહાર-ઝારખંડ ઢાબા પાસે આવેલી એક ઓરડીમાં દરોડો પાડીને વિજય દિનેશભાઈ સુરેલા (રહે.ચોટીલા) અને ડીઝલ પૂરાવવા આવેલા દિનેશ છનાભાઈ પરમાર (રહે.ઉપલેટા) નામના ટ્રક ડ્રાઈવરને પકડ્યો હતો. ટીમે ૧૨.૧૧ લાખની કિંમતની ભેળસેળયુક્ત ડીઝલ ઉપરાંત રોકડ, ડીઝલ સંગ્રહવા માટેની ટાંકી, ડિસ્પેન્સર મશીન સહિત કુલ રૂા.૨૫,૫૪,૭૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે આ ધંધો દિવ્યરાજ ઉર્ફે દેવું સુરેશભાઈ વાળા નામનો ચોટીલાનો શખ્સ ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. જો કે દરોડા વખતે તે હાજર ન હોય તેની સામે તેમજ ડીઝલનો જથ્થો પૂરો પાડનાર સામે ગુનો નોંધી બન્નેની શોધખોળ શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે નાની એવી ઓરડીમાંથી બાયોડિઝલની બેરોકટોક વેચાણ થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ અંધારામાં રહી જતાં આવનારા દિવસોમાં તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થવાના ભણકારા વાગી રહ્યા છે.