એઈમ્સ હોસ્પિટલમાં મૃત્યુનું જટિલ કારણ જાણી શકાશે
૩૨ વર્ષીય યુવકનું પ્રથમ પોસ્ટમોર્ટમ કરાયું: આંતરરાષ્ટ્રીય કક્ષાના સાધનોથી ઓટોપ્સી બ્લોક સજ્જ
એઈમ્સ-રાજકોટ એક બાદ એક સુવિધાથી સજ્જ થઈ રહી છે. દર્દીઓને દાખલ કરવાની સુવિધા શરૂ થઈ ગયા બાદ ઓપરેશન સહિતની સારવાર પણ અહીં કાર્યરત થઈ ચૂકી છે. વાયરસની ઓળખ કરવા માટેની લેબોરેટરીનું કામ પણ શરૂ થઈ ગયું છે ત્યારે હવે દર્દીના મૃત્યુનું એકદમ સચોટ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રૂમ તેમજ ઓટોપ્સી બ્લોક પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન અહીં ૩૨ વર્ષીય યુવકનું કુદરતી મૃત્યુ થયા બાદ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું જે એઈમ્સ હોસ્પિટલનું પ્રથમ પોસ્ટ મોર્ટમ રહ્યું છે.
એઈમ્સ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો.ડૉ.કર્નલ સી.ડી.એસ.કટોચના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા મોરચ્યુરી ઓટોપ્સી બ્લોકમાં ફોરેન્સિક વિભાગના વડા પ્રોફેસર ડૉ.સંજય ગુપ્તા અને ડૉ.ઉત્સવ પારેખ દ્વારા પ્રથમ પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ એ મૃત્યુના કારણને જાણવા માટે કરવામાં આવતી જરૂરી કાર્યવાહી છે. ખાસ કરીને અકસ્માત, શંકાસ્પદ મોત કે હત્યા, આત્મહત્યા સહિતની ઘટનાઓમાં થતાં મૃત્યુને કારણે લાશનું પોસ્ટમોર્ટમ કરી મોતનું કારણ જાણવામાં આવે છે. એઈમ્સ રાજકોટ ભારતની નવી એઈમ્સ હોસ્પિટલમાં સૌ પ્રથમ એવી હોસ્પિટલ બની છે જે હોસ્પિટલ શરૂ થયાના ટૂંકા ગાળામાં જ ફોરેન્સિક ડોક્ટરોની ભરતી કરીને પોસ્ટમોર્ટમની સુવિધા ઉપલબ્ધ કરી દેવાઈ છે.
આ સુવિધા શરૂ થવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રને આકસ્મિક બનાવોમાં મૃત્યુનું સાચું કારણ જાણવામાં મદદ મળશે કારણ કે અપમૃત્યુ કેસમાં ડેથ સર્ટિફિકેટ મેળવવા તેમજ મોતનું સાચું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવવું ફરજિયાત છે. એઈમ્સ-રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સાધનો વસાવવામાં આવ્યા છે જેથી જટિલમાં જટિલ કેસમાં મોતનું સાચું કારણ જાણી શકાશે.
