જેલ કે મહેલ ?
ગાંધીધામની ગળપાદર જેલમાં કુખ્યાત શખ્સોએ માંડેલી દારૂની મહેફિલ પકડાઈ
સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરીનો સાગ્રીત-કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા, જયંતી ભાનુશાળી હત્યા કેસનો આરોપી સુરજીત, જામનગરના વકીલની હત્યા કરનારો રજાક સોપારી, હત્યા સહિતના ગુનામાં સામેલ મોરબીનો હિતુભા ઝાલા સહિતના પકડાયા
એપલના બે સહિત ચાર મોબાઈલ, દારૂ, ૫૦,૦૦૦ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે
જેલમાં તમામ સગવડ' પૂરી પાડનારા અધિકારી તેમજ સ્ટાફના
તપેલા’ ચડવા નિશ્ચિત
જેલમાં કેદીઓને સજા ભોગવવા માટે મોકલવામાં આવતા હોય છે પરંતુ અનેક કુખ્યાત કેદીઓ એવા હોય છે જે પૈસાના જોરે જેલને પણ મહેલ બનાવી દેતા હોય છે ! આવું જ કંઈક કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં બનવા પામ્યું છે. આ જેલમાં એક-એકથી ચડિયાતા હિસ્ટ્રિશીટર તેમજ નામચીન બૂટલેગરો સજા ભોગવી રહ્યા હોય તેમના દ્વારા માંડવામાં આવેલી દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડી અંદર ચાલતી લાલિયાવાડીનો પર્દાફાશ કર્યો છે.
કચ્છ-ભૂજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના આદેશ બાદ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એલસીબી, એસઓજી, એ-ડિવિઝન, બી-ડિવિઝન, આદિપુર પોલીસ મથકના અધિકારી-કર્મચારીઓની અલગ-અલગ ટીમ બનાવી ગળપાદર જિલ્લા જેલમાં રાત્રીના સમયે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં છ શખ્સો દારૂની મહેફિલ માણતાં પકડાયા હતા.
જે શખ્સો દારૂ પીતાં ઝડપાયા તેમાં તાજેતરમાં જ સીઆઈડી ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે દારૂની હેરાફેરી કરતાં પકડાયેલો મોટીચિરઈ-ગાંધીધામનો કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ, રોહિત ગોવિંદભાઈ ગરવા, શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી, રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદ સંગ ઠાકુર સહિતના સામેલ છે. આ છ સામે પ્રોહિબિશનની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, કચ્છના અત્યંત ચકચારી જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સામેલ સુરજીત દેવીસિંગ પરદેશી, જામનગરના વકીલ હારૂન પલેજા હત્યા કેસમાં સામેલ રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, મોરબીના મુસ્તાક મીર હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આ લોકોની બેરેકમાં તપાસ કરતાં ત્યાંથી ૫૦,૦૦૦ની રોકડ ઉપરાંત એપલ કંપનીના બે ફોન, સેમસંગના બે ફોન, પ્લાસ્ટિકની બોટલ જેમાં દારૂ ભરેલો હતો તે, બે ચાર્જર સહિતનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો.
જેલની હાઈ સિક્યુરિટી બેરેની છત ઉપર રોકડ-ચાર્જર છુપાવાયા’તા
ગળપાદર જેલમાંથી પોલીસે ૫૦,૦૦૦ની રોકડ તેમજ ચાર્જર પણ પકડ્યા છે. આ બન્ને વસ્તુ જેલમાં બનાવાયેલી હાઈ સિક્યુરિટી બેરેકની છત ઉપર છુપાવેલી હાલતમાં મળી આવી હતી. એકંદરે તમામ આરોપીઓને જેલના ખૂણા ખૂણાની ખબર હોવાથી તેનો બરાબરનો ઉપયોગ કર્યો હતો. જો કે પોલીસે આ બધું જ શોધી કાઢી જેલમાં ચાલતી લોલમલોલનો પર્દાફાશ કર્યો છે.
જેલના અધિકારી-કર્મીની સંડોવણી હશે તો આકરાં પગલાં લેવાશે: ચિરાગ કોરડિયા
કચ્છ-ભૂજના રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જેલની અંદર દારૂની મહેફિલ, રોકડની અવર-જવર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જેલના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી જણાશે તો તેની સામે આકરાં પગલાં લેવામાં આવશે. આ દરોડાનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે જેલ વિભાગના એડિશનલ ડીજી ડૉ.કે.એલ.એન.રાવને સુપ્રત કરવામાં આવશે. આ બધું કેટલા સમયથી ચાલી રહ્યું હતું તે સહિતની બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે.