કોની હત્યા માટે રૂપિયા 1 કરોડની સોપારી અપાઈ ? વાંચો
યુપીના ગોરખપુરમાં વિધાનસભા બેઠક પર 7 વાર ચુંટાયેલ ભાજપના સભ્ય ફતેહ બહાદુરસિંહે એવી રાવ કરી છે કે મારી હત્યા કરવા માટે દુશ્મનોએ પ્રયાસ કર્યો છે અને હત્યા કરવા માટે રૂપિયા 1 કરોડની સોપારી અપાઈ છે. આ બારામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. કેટલાક શંકાસ્પદ લોકો પર નજર રખાઇ રહી છે.
સિંહે ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગીને પત્ર લખીને સુરક્ષા આપવા માંગણી પણ કરી છે. પત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે મારા વિરોધીઓ મારી હત્યા માટે કાવતરું ઘડી રહ્યાની મને જાણ થઈ છે. આ માટે રૂપિયા 1 કરોડની સોપારી આપવાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. આ બાબત ખૂબ જ ગંભીર છે.
11 દિવસ પહેલા ફોન પર કોઈએ સિંહને એમ કહ્યું હતું કે તમે જ્યાં છો ત્યાંથી હટી જાવ કારણ કે તમારી જાનને ખતરો છે. ત્યારબાદ એવી માહિતી મળી હતી કે હત્યા કરવા માટે રૂપિયા 1 કરોડનો ફાળો પણ કરવામાં આવ્યો છે.
સિંહે એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારને આ બાબતની જાણ કરી દેવાઈ હતી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને કોઈ તપાસ કરવામાં આવી નથી. હવે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી છે.