કેન્દ્રના બજેટમાં કયા વર્ગ માટે મોટી જાહેરાત થઈ શકે છે ? જુઓ
નાણામંત્રી નિર્મલા બજેટની તૈયારીમાં પરોવાયા છે અને તેની વચ્ચે અનેક પગલાંના સંકેતો રોજ બહાર આવી રહ્યા છે. હવે એવા સંકેત મળ્યા છે કે ઈ-કોમર્સ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતા હંગામી કર્મચારીઓ માટે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોમર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ અને મેડિકલ ઈન્સ્યોરન્સની ભેટ મળી શકે છે.
સામાજિક સુરક્ષા ફંડ
આ માટે સરકાર સામાજિક સુરક્ષા ફંડ બનાવવાની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલા અહેવાલો મુજબ હંગામી કર્મીઓની સામાજિક સુરક્ષા માટે બજેટમાં ખાસ જાહેરાત થઈ શકે છે. આ વર્ગને આર્થિક લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે. એવું નિશ્ચિત મનાય છે કે આકસ્મિક અને મેડિકલ કવર મળશે અને તે માટે ઘણા સમયથી માંગણી પણ થઈ રહી છે.
આ ફંડનો ઉપયોગ આકસ્મિક અને મેડિકલ કવર આપવા માટે કરવામાં આવશે. ESIC જેવી સંસ્થામાં તબીબી સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરી શકાય છે. કર્મચારીઓ, એગ્રીગેટર્સ અને સરકાર આ ફંડમાં યોગદાન આપશે.
નિવૃત્તિ લાભની સુવિધા
આ ફંડમાંથી હંગામી કર્મચારીઓને પણ નિવૃત્તિ લાભો અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાજિક સુરક્ષા કોડ 2020 માં પણ આવી સુવિધા પ્રદાન કરવાનો પ્રસ્તાવ છે.
12મી ઓગસ્ટ સુધી બજેટ સત્ર
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. બજેટ સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આર્થિક સર્વે 22 જુલાઈએ રજૂ કરવામાં આવશે.