ભાભા બજારના ત્રીજા માળે પતરાથી બનેલા ગોડાઉનમાં વિકરાળ આગ
ગેઈમ ઝોન અગ્નિકાંડ ફરી યાદ આવી ગયો…!!
અત્યંત સાંકળી જગ્યા હોવાને કારણે ફાયર ફાઈટરો પણ મુંઝાયા: બે કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી
વેલ્ડીંગને કારણે આગ લાગ્યાનું અનુમાન: સદ્નસીબે ગોડાઉન બંધ હોવાથી મોટી જાનહાની ટળી

રાજકોટમાં ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડને પોણા બે મહિના જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી એક પણ વ્યક્તિ આ ગોઝારા કાંડને ભૂલી શકી નથી. હવે રાજકોટ કે ગુજરાતમાં કોઈ પણ સ્થળે આગ લાગે એટલે અગ્નિકાંડની યાદ આવ્યા વગર રહેતી નથી ત્યારે રવિવારે રજાના દિવસે શહેરના અત્યંત ગીચ વિસ્તાર એવા બંગડી બજારમાં આવેલા ભાભા બજાર કોમ્પલેક્સના ત્રીજા માળે પતરાથી બનાવેલા ગોડાઉનમાં વિકરાળ આગ લાગતાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી. પાંચ ફાયર ફાઈટર દ્વારા બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી. સદ્ભાગ્યે આગ લાગી ત્યારે ગોડાઉન બંધ હોવાથી અંદર કોઈ હાજર ન્હોતું જેના કારણે મોટી દૂર્ઘટના સ્હેજમાં ટળી હતી.
આ અંગે ફાયર બ્રિગેડ દ્વારા જણાવ્યા પ્રમાણે આગ લાગ્યાની જાણ થતાં જ પાંચ ફાયર ફાઈટર સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે આગ લાગી તે જગ્યા અત્યંત સાંકળી હોવાને કારણે બે કલાક સુધી ચાર લાઈન કનેક્ટ કરીને પાણીનો મારો ચલાવાયો હતો. ભાભા બજાર કોમ્પલેક્સના ત્રીજા માળે પતરાથી સ્ટોરેજ ગોડાઉન બનાવાયું હતું જે દુષ્યંત મહેતા નામની વ્યક્તિનું હોવાનું ધ્યાન પર આવ્યું છે. દુષ્યંત મહેતા દ્વારા આ ગોડાઉન નિલેશ મહેતા અને કમલેશ ભૂપતાણીને ભાડે આપવામાં આવ્યું હતું. આગ લાગી ત્યારે આ બન્ને ત્યાં હાજર હતા.
સદ્ભાગ્યે કોમ્પલેક્સમાં ફાયર સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી તેના દ્વારા આસપાસના લોકો દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો. સમયસર પાણીનો મારો થવાને કારણે અન્ય દુકાન તેમજ ગોડાઉનમાં મોટું નુકસાન થતાં બચી ગયું હતું. વોર્ડ નં.૭માં આવેલા આ કોમ્પલેક્સ પાસે ફાયર એનઓસી ન હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે.
હું ૧૦ વાગ્યે આવ્યો ત્યારે આગ ચાલું હતી: ભાડુઆત
ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે પતરાનું આ ગોડાઉન દુષ્યંત મહેતા નામની વ્યક્તિનું છું અને તેણે નિલેશ મહેતા અને કમલેશ ભૂપતાણીને ભાડે આપેલું છે. દરમિયાન નિલેશ મહેતાએ જણાવ્યું કે આ ગોડાઉનમાં ગીફ્ટ આર્ટિકલનો સામાન રાખવામાં આવ્યો હતો. હું સવારે ૧૦ વાગ્યે આવ્યો ત્યારે આગ ચાલું હતું. અહીં અરિહંત ગીફ્ટ આર્ટિકલ તેમજ સાંઈ દૃષ્ટિ નામનું ગોડાઉન છે જે બન્નેમાં આગ લાગી હતી. જો કે આગ શા માટે લાગી તેનો ખ્યાલ નથી. આ માટે તે દર મહિને દુષ્યંત મહેતાને ૪૫૦૦ રૂપિયા ભાડું આપતા હોવાનું જણાવ્યું હતું.
શોક-સર્કિટને કારણે આગ લાગી હોય તેવું બની શકે: રાજુભાઈ
જ્યાં આગ લાગી તેની બાજુમાં જ દુકાન ધરાવતાં રાજુભાઈ નામની વ્યક્તિએ જણાવ્યું કે ૧૦ વાગ્યા આસપાસ લાગેલી આ આગ શોક-સર્કિટને કારણે લાગી હોય તેવું લાગી રહ્યું છે. જો કે સાચું કારણ ફાયર બ્રિગેડ જ જાણતું હોવું જોઈએ. અહીં ઘણા લાંબા સમયથી ગીફ્ટ આર્ટિકલનું ગોડાઉન છે.
કોમ્પલેક્સ પાસે ફાયર એનઓસી જ નથી !
મહાપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ આખા રાજકોટમાં ફાયર એનઓસી તેમજ બીયુપીને લઈને ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને આ બન્ને પૂરાવા ન હોય એટલે મિલકત સીલ કરવામાં આવી રહી છે ત્યારે બંગડી બજારમાં આવેલા ભાભા કોમ્પલેક્સમાં આગ લાગી તેની પાસે ફાયર એનઓસી જ ન હોવાનું ફાયર બ્રિગેડે જાહેર કર્યું છે ત્યારે આટલો ગીચ વિસ્તાર હોવા છતાં મનપાની ટીમે અહીં શા માટે ચેકિંગ નહીં કર્યું હોય તે સો મણનો સવાલ છે.