મુંબઈ-દિલ્હીમાં ભારે વરસાદ : બિહારમાં વીજળી કાળ બનીને ત્રાટકી, 21ના મોત
યુપી એમપી સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી ; નેપાળના પાણી યુપીના 800 ગામોમાં ઘૂસી ગયા ; 3જા દિવસે પણ પૂર
વોઇસ ઓફ ડે મુંબઈ
મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં શનિવારે સવારે ભારે વરસાદ પડ્યો હતો. ગઈકાલે શુક્રવારે ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ફ્લાઈટને પણ અસર થઈ હતી. ફરી શનિવારે અનેક સ્થળે પાણી ભરાઈ જતાં મુશ્કેલી ઊભી થઈ હતી. મુંબઈમાં ઓરેન્જ એલર્ટ યથાવત રખાયું છે. એ જ રીતે દિલ્હીમાં પણ જોરદાર વરસાદ પડતાં પાણી અનેક સ્થળે ભરાઈ ગયા હતા.
દરમિયાનમાં હવામાન વિભાગે યુપી અને એમપી સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી હતી.બીજી બાજુ બિહારમાં તબાહી ચાલુ જ રહી છે અને ભારે વરસાદ સાથે અલગ અલગ જિલ્લાઓમાં વીજળી પડતાં 24 કલાકમાં 21 ના મોત થયા હતા. યુપીમાં 800 ગામ પાણીથી ઘેરાયેલા રહ્યા છે.
મુંબઈ માટે હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં હજુ પણ શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
ઓરેન્જ એલર્ટ યથાવત
ભારે વરસાદ અને ગાઢ વાદળોને કારણે મુંબઈમાં ફ્લાઈટ ઓપરેશનને ભારે અસર થઈ હતી અને એરલાઈન્સે મુસાફરોને અપડેટ કરેલી ફ્લાઇટ સ્ટેટસ મુજબ પગલાં લેવાની સલાહ આપી છે. મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.
યુપીમાં ગામડા ઘેરાયેલા છે
યુપીની હાલત હજુ પણ ખરાબ જ રહી છે. યુપીમાં નેપાલથી નજીકના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ રહી છે અને છેલ્લા 3 દિવસથી 800 ગામડા પાણીથી ઘેરાયેલા જ રહ્યા છે. કેટલાક હાઇ વે હજુ પણ બંધ છે.