અપવાદરૂપ કેસમાં જ જામીનના હુકમ ઉપર સ્ટે આપવો જોઈએ: સુપ્રીમ કોર્ટ
- દિલ્હી હાઈકોર્ટના એક ચુકાદા સામે અદાલતની ખંડપીઠે આશ્ચર્ય દર્શાવ્યું
મની લોન્ડરિંગ કેસમાં ટ્રાયલ કોર્ટે આપેલા જામીનના હુકમ સામે દિલ્હી હાઇકોર્ટે આપેલા સ્ટે ઓર્ડર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે માત્ર અને માત્ર અપવાદરૂપ કેસમાં જામીનના હુકમ ઉપર રોક લગાવી જોઈએ.
પરવીનદરસિંઘ ખુરાના નામના શખ્સની ઇડીએ મનીલોન્ડરિંગ કેસમાં ધરપકડ કર્યા બાદ ટ્રાયલ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. એ હુકમ ઉપર દિલ્હી હાઇકોર્ટે સ્ટે આપતા મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો.
એ કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એસ.ઓકા અને જસ્ટિસ ઓગસ્ટ જ્યોર્જ માસીહની બેંચે કહ્યું કે અદાલતો એ કોઈપણ જાતનું કારણ આપ્યા વગર યંત્રવત રીતે જામીનના હુકમ સામે સ્ટે આપવાથી બચવું જોઈએ. કોઈ વ્યક્તિની સ્વતંત્રતાને આ રીતે છીનવી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટની બેન્ચે અવલોકન રજૂ કરતા કહ્યું,”અદાલતોએ જો કોઈ વ્યક્તિ આતંકવાદી કેસોમાં સંડોવાયેલ હોય, જ્યાં હુકમ વિકૃત હોય અથવા કાયદાની જોગવાઈઓને બાયપાસ કરવામાં આવી હોય તેવા દુર્લભ અને અસાધારણ કેસોમાં જ જામીનના હુકમ ઉપર રોક લગાવવી જોઈએ. તમે આ રીતે સ્વતંત્રતાને પ્રતિબંધિત કરી શકતા નથી. જો આ રીતે જામીન ઉપર રોગ લગાવતા રહેશું તો એ વિનાશક હશે. આપત્તિ જનક હશે. કલમ 21 ક્યાં જશે?” દિલ્હી હાઇકોર્ટના આદેશ ઉપર આશ્ચર્ય વ્યક્ત કરતા ખંડપીઠે જણાવ્યું કે આ નિર્દેશો આઘાતજનક છે. આરોપી આતંકવાદી નથી પછી સ્ટે આપવાનું કારણ શું ? તેવો સવાલ જસ્ટિસ ઓકાએ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે કે દિલ્હી લીકર કેસમાં પણ ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા બાદ એ હુકમ ઉપર દિલ્હી હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો અને હાઇકોર્ટના એ આદેશ અંગે કાનૂનવીદોએ આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.