જમ્મુને ઘેરીને હુમલા કરવાનું જૈશનું કાવતરું, 90 માં પણ કઠુઆ અડ્ડો હતું
પાકિસ્તાનની સીધી મદદ: ગુપ્તચરોનો ધડાકો : ગયા વર્ષે પણ જમ્મુમાં 40 આતંકી હુમલા થયા હતા; અહીં સંતાઈને ફરાર થવા લોકલ માણસો મદદ કરે છે
જમ્મુ-કાશ્મીરમાં થોડાક દિવસોથી વધી ગયેલા આતંકી હુમલાઓ અંગે સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ગુપ્તચરોએ ઊંડી તપાસ શરૂ કરી હતી અને સોમવારે પણ 5 જવાનો શહીદ થયા બાદ મામલો ગંભીર બની ગયો હતો. મોટા પ્રમાણમાં આતંકીઓ ઘૂસી આવ્યા છે અને અલગ અલગ જગ્યા પર સંતાઈ ગયા હતા તેવું બહાર આવ્યું હતું. જૈશ આતંકી સંગઠનના દોરીસંચાર દ્વારા જમ્મુ પર નિશાન રાખવામાં આવ્યું છે.
તપાસમાં એવી હકીકત ખૂલી છે કે લોકલ શખ્સોએ આતંકીઓને ગાઈડ કર્યા હતા. ઘટના સ્થળ પરથી બચીને નીકળવું અસંભવ જ હોય છે પણ લોકલ મદદથી આતંકીઓ ફરાર થઈ જાય છે. સોમવારના એટેક્ની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ દ્વારા લેવાઈ છે. આ સંગઠન જૈશ નામના જૂના આતંકી સંગઠન માટે કામ કરે છે.
90 માં અહીં અડ્ડા હતા
આ એ જ 7 આતંકીઓનું જુથ છે જે પૈકીનાં 3 ને ડોડામાં જવાનોએ મારી નાખ્યા હતા. અધિકારીઓએ કહ્યું છે કે કઠુઆ આ પહેલા પણ આતંકીઓનો અડ્ડો બની ગયું હતું. 90 ના દસકામાં અહીં આતંકીઓના તાંબું હતા. અહીંથી તેઓ સમગ્ર જમ્મુ – કાશ્મીર પર નિશાન તાકીને હુમલા કરતાં હતા.
ગાયબ થવાની સુવિધા
હવે ફરીવાર આ પંથક પર આતંકીઓનો ડોળો મંડાયો છે. બીજું કારણ એ છે કે અહીં સંતાઈ જવાની સુવિધા મળે છે. હુમલા બાદ આતંકીઓ જંગલ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં ગાયબ થઈ શકે છે. જિલ્લાની એક બાજુ પાકિસ્તાની સીમા છે અને બીજી બાજુ હિમાચલ પ્રદેશ તથા પંજાબ છે.
પાછલા વર્ષે જમ્મુમાં 40 હુમલા
અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે કાશ્મીરમાં શાંતિ છે પણ હવે આતંકી જમ્મુ પર નજર રાખી રહ્યા છે અને તેને ઘેરી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત જૈશ દ્વારા મદદ કરવામાં આવે છે અને આતંકીઓને મોકલવામાં આવે છે. ગયા વર્ષે પણ જમ્મુમાં 40 આતંકી હુમલા થયા હતા.