- માર્ગ અને મકાન વિભાગે રાતોરાત દુકાન ખાલી કરાવી : ફોજદારી પગલાં સહિતની આકરી કાર્યવાહીના નિર્દેશ
રાજકોટ : રાજકોટના રેષકોર્ષ રોડ ઉપર આવેલ બહુમાળી ભવનમાં સરકારી કચેરીના ભેજાબાજ બાબુઓએ ખાનગીમાં ભાડું વસૂલી પાંચમા માળે કોમ્પ્યુટરના ધંધાર્થીને સરકારી જગ્યા ભાડે આપી દેવા પ્રકરણમાં અખબારના પાને ભોપાળું છતું થતા માર્ગ અને મકાન વિભાગની ગુપ્તરાહે તપાસ બાદ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તપાસના આદેશ આપ્યા છે અને માર્ગ અને મકાન વિભાગને રેલો આવતા ખાનગી કોમ્પ્યુટરની દુકાનને રાતોરાત ખાલી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ મહિને વસુલવામાં આવતા તોતિંગ ભાડા મામલે ફોજદારી ફરિયાદ સહિતના આકરા પગલાં ભરવામાં આવે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના સૌથી જૂના એવા સરકારી કચેરીઓના સંકુલ એવા બહુમાળી ભવનમાં અંદાજે 95 જેટલી અલગ-અલગ સરકારી કચેરીઓ બેસે છે જેમાં પાંચમા માળે સામાજિક વનીકરણ કચેરીની બાજુમાં જ નાયબ ઈજનેર ગુણવતા નિયમ પેટા વિભાગ કચેરીને વર્ષ 2007માં જિલ્લા કલેકટરના અધ્યક્ષપદ વાળી કમિટીએ જગ્યા ફાળવી હતી. બીજી તરફ નાયબ ઈજનેર ગુણવતા નિયમ પેટા વિભાગ કચેરીને ફાળવવામાં આવેલ બે ભાગ પૈકીનો કે ભાગ સરકારી તંત્રની જાણ બહાર લાંબા સમયથી બારોબાર એક ખાનગી કોમ્પ્યુટરના ધંધાર્થીને મહિને 18000થી 20000ના ભાડામાં ભાડે ચડાવી દેતા આ મહાશય દ્વારા સરકારી કચેરી અને સરકારી વીજળીનો લાભ મેળવી ધમધોકાર રીતે સરકારી કચેરીઓના જ કોમ્પ્યુટર રીપેરીંગનો ધંધો જમાવી દીધો હતો.
બીજી તરફ બહુમાળી ભવનમાં સરકારી જગ્યા બારોબાર ભાડે આપી દેવાના કૌભાંડ મામલે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ બહુમાળી ભવનમાં મેઇન્ટેનન્સની કામગીરી સાંભળતા માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી જો કે, આટલી મોટી કચેરીમાં પાંચમા માળે શરૂ થયેલી કોમ્પ્યુટરની દુકાન ક્યાં વિભાગની જગ્યામાં શરૂ થઇ તે નક્કી કરવામાં જ માર્ગ અને મકાન વિભાગને બે દિવસનો સમય લાગ્યો હતો અને બાદમાં જગ્યાની માપણી કરતા નાયબ ઈજનેર ગુણવતા નિયમ પેટા વિભાગની કચેરી ખાનગી કોમ્પ્યુટર ઓપરેટરને ભાડે આપવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.
બીજી તરફ અખબારમાં ચોંકાવનારૂ કૌભાંડ ખુલ્લું થતા જ વસવાટ અને ફાળવણી સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર ચોંકી ઉઠ્યા હતા અને માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેરને તેડું મોકલી સમગ્ર મામલે તપાસના આદેશ આપી આટલા વર્ષ સુધી ભાડા વસુલ કરનાર જવાબદાર કચેરીના અધિકારી સામે પગલાં ભરવા તેમજ સરકારી મિલ્કતનો કબ્જો ખાનગી વ્યક્તિને આપવા મામલે ફોજદારી ફરિયાદ સુધીના પગલાં ભરવા કડક આદેશ કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.