રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા.18મીએ મળશે
- કારોબારીની તા.૮મીએ બેઠક મળશે: સામાન્ય સભામાં પ્રશ્નોતરી પણ રખાઇ
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતમાં આચારસંહિતા બાદ જુદી-જુદી સમિતિઓની બેઠકો શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી માસની તા.૧૮મીએ મળવા જઈ રહી છે. જેમાં પ્રશ્નોતરી પણ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકસભાની ચુંટણીને લઈને રાજકોટ જિલ્લા પંચાયતમાં સમિતિઓની મિટિંગ તેમજ સામાન્ય સભા પાછી ઠેલાણી હતી. જો કે આચારસંહિતા દૂર થતાં જ હવે જુદી-જુદી સમિતિઓની બેઠકો મળી રહી છે. આગામી તા.૮મીએ કારોબારી સમિતિની બેઠક મળશે. જેમાં સમિતિઓના વિવિધ મુદ્દાઓ અને ઠરાવો મૂકવામાં આવશે.
કારોબારી સમિતિની તા.૮મીએ બેઠક મળવાની છે. જેના ૧૦ દિવસ બાદ જ સામાન્ય સભા મળશે. જેમાં સમિતિઓ અને કારોબારી બેઠકમાં લીધેલા મુદ્દાઓને બહાલી આપવામાં આવશે. મહત્વનું છે કે, હાલ જિલ્લા પંચાયતમાં કુલ ૩૬ સભ્યોમાંથી ૩૦ સભ્યો ભાજપના છે જ્યારે ૬ સભ્ય કોંગ્રેસના છે ત્યારે આચારસંહિતા બાદ યોજાનાર સામાન્ય સભામાં પ્રશ્નોતરી પણ રાખવામાં આવી હોવાનું જિલ્લા પંચાયતના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.