વેસ્ટ ઈન્ડિઝના બેટરોએ USAની ધૂળ કાઢી નાખી !
૧૨૯ રનના લક્ષ્યાંકને ૧૦.૫ ઓવરમાં જ કર્યો હાંસલ: શે હોપને ૩૯ દડામાં ઝૂડ્યા ૮૨ રન
ટી-૨૦ વર્લ્ડકપના બે યજમાન દેશ અમેરિકા-વિન્ડિઝ વચ્ચે સુપર-૮નો મુકાબલો રમાયો હતો જેમાં વિન્ડિઝે અમેરિકાને ધૂળ ચાટતું કરી દઈને નવ વિકેટે જીત મેળવી હતી. વિન્ડિઝે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં અમેરિકાએ ૧૯.૫ ઓવરમાં ૧૨૮ રન બનાવ્યા હતા. ૧૨૯ રનના લક્ષ્યાંકને વિન્ડિઝે ૧૦.૫ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
વિન્ડિઝ વતી ઓપનિંગ બેટર શે હોપે મેચવિનિંગ ઈનિંગ રમી હતી. તેણે અમેરિકાના બોલરોની બેફામ ધોલાઈ કરતાં ૩૯ દડામાં ૮૨ રન બનાવ્યા હતા જેમાં ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા. શે હોપ ઉપરાંત નિકોલસ પૂરને પણ તાકાત બતાવતાં ૧૨ દડામાં ૨૭ રન ઝૂડ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા લગાવ્યા હતા. અમેરિકા વતી એકમાત્ર વિકેટ હરમીત સિંહે લીધી હતી.
શાનદાર બેટિંગ કરતાં પહેલાં વિન્ડિઝે બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો. આંદ્રે રસેલ અને રોસ્ટન ચેઈઝે ત્રણ-ત્રણ વિકેટ ખેડવી હતી. આ ઉપરાંત બે વિકેટ અલ્ઝારી જોસેફને પણ મળી હતી તો એક વિકેટ ગુડાકેશ મોતીએ ખેડવી હતી. અમેરિકા વતી એન્ડ્રીઝ ગૌસે સારી શરૂઆત કરતાં ૧૬ દડામાં ૨૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત નીતિશ કુમારે પણ ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. આ બન્ને ઉપરાંત યુએસએનો કોઈ બેટર ૨૦ રનના સ્કોર સુધી પહોંચી શક્યો ન્હોતો.