મક્કામાં ભયંકર ગરમીથી 550 હજ યાત્રિકોના મૃત્યુ : સૌથી વધુ ઇજિપ્તના 323 યાત્રિકોના મોત
આ વખતે હજયાત્રા દુનિયાભરના હાજીઓ માટે ભારે પડકારજનક બની ગઈ છે. સાઉદી અરબમાં મક્કા અને મદીના શરીફની હજયાત્રા માટે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાંથી એકઠાં થયા છે. આ દરમિયાન ભીષણ ગરમીને કારણે હજયાત્રીઓની હાલત દયનીય થઈ ગઇ છે. મક્કા શરીફમાં આ દરમિયાન કુલ 550 જેટલાં હજયાત્રીઓ ભીષણ ગરમીને લીધે જ જીવ ગુમાવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે અને કેટલાક હાજીઓ બીમાર પડી ગયા છે. ભારતથી પણ હજારો યાત્રિકો ગયા છે.
હજયાત્રા દરમિયાન જીવ ગુમાવનારા લોકોમાં સૌથી વધુ ઈજિપ્તના 323 લોકો સામેલ છે જ્યારે અન્ય ઘણાં દેશોના હજયાત્રીઓ પણ તેમાં સામેલ છે. આ તમામ યાત્રીઓના મૃત્યુ પાછળ ભીષણ ગરમી અને વધતાં તાપમાનને જવાબદાર ઠેરવાયું છે.
જોર્ડનના ઓછામાં ઓછા 60 લોકો પણ આ ભીષણ ગરમીની લપેટમાં આવતા જીવ ગુમાવી ચૂક્યા છે. આ પહેલા મંગળવારે અમ્માન દ્વારા સત્તાવાર રીતે 41 લોકોનાં મોતની જાણકારી અપાઇ હતી. જોકે લેટેસ્ટ આંકડા મુજબ અનેક દેશો દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલી કુલ મૃત્યુનો આંકડો 577ને વટાવી ગયો હોવાની જાણકારી છે. જ્યારે રાજદ્વારીઓ કહે છે કે મક્કા શરીફના સૌથી મોટા મડદાંઘરમાં કુલ 550 મૃતદેહો પડ્યા હતા.
અહીં 51 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે માટે દુનિયાભરના યાત્રિકો ભારે પરેશાન થઈ ગયા છે. ગરમીથી બચાવવા માટે સતાધિશોએ પૂરતી વ્યવસ્થા કરી નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે.