26મીએ રાજકોટના ડેથઝોન શરતભંગ કેસની સુનાવણી
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને એક મહિનો વીતશે : મૂળ માલિકો જેલમાં
રાજકોટ : રાજકોટના કાલાવડ રોડ ઉપર નાનામવા સરવે નંબર 49ની ગોઝારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ખડકાયેલા ટીઆરપી ગેમઝોન (ડેથઝોન) અગ્નિકાંડમાં 27 લોકો મૃત્યુ પામ્યા બાદ અલગ-અલગ તપાસ ટીમો દ્વારા તપાસના ધમધમાટ વચ્ચે હાલમાં 11 આરોપીઓ જેલહવાલે થયા ત્યારે સમગ્ર મામલે રેવન્યુંતંત્ર દ્વારા પણ શરતભંગ મામલે નોટિસ આપવામાં આવ્યા બાદ આગામી તા.26જૂનના રોજ શરતભંગ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી છે, જો કે, જમીનના મૂળ માલિકો હાલમાં જેલમાં હોય તંત્ર દ્વારા જો કોઈ પક્ષકાર ઉપસ્થિત ન રહે તો પણ આકરો દંડ ફટકારવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
ગત તા.25ના ગોઇઝર દિવસે રાજકોટના કાલાવડ રોડ ઉપર સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાતા 27 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ ગંભીર બનાવ મામલે રાજ્ય સરકારની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, રાજકોટ પોલીસ ટીમ તપાસ કરી રહી છે ત્યારે પશ્ચિમ મામલતદાર દ્વારા રહેણાંક હેતુની જમીન ઉપર ગેરકાયદેસર રીતે હંગામી માંચડા ઉભા કરી કોમર્શિયલ પ્રવૃત્તિ કરવા મામલે શરતભંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ નાનામવા ટીપી સ્કીમ નંબર 20ની રેવન્યુ સરવે નંબર 49ની અંદાજે 15000 ચોરસ મીટર જમીનના મૂળ માલિક અને અગ્નિકાંડમાં આરોપી એવા અશોકસિંહ જગદીસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જગદીશસિંહ જાડેજાને શરતભંગ મામલે નોટિસ ફટકાર્યા બાદ આ કેસની સુનાવણી આગામી તા.26ના રોજ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે, નોંધનીય છે કે, આ અગાઉ વર્ષ 2016માં રિવાઇઝ પ્લાન મંજુર કરવામાં આવ્યો હતો ત્યારે પણ તંત્ર દ્વારા શરતભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે 26મી જૂને તંત્ર અગ્નિકાંડના અપરાધીઓને કેટલો દંડ ફટકારે છે તે જોવું રહ્યું.
