ચુંટણી બાદ કેટલી વધી મોંઘવારી ? કઈ ચીજોના ભાવમાં થયો વધારો ?
લોકસભાની ચુંટણી પૂરી થતાં જ લોકોની વધુ પરીક્ષા થઈ રહી છે અને મોંઘવારીએ ભારે ચિંતા પેદા કરી છે. લોકો રસોડાના સંઘર્ષમાં વધુ પરોવાઈ ગયા છે કારણ કે ચુંટણી બાદ બટેટા, ટમેટાં ડુંગળી સહિતની ચીજોના ભાવ ફરી વધી ગયા છે. આ બધી ચીજોના ભાવ પહેલાથી જ વધેલા હતા અને હવે તેમાં વધારો થતાં સામાન્ય માનવીની જિંદગી પડકાર બની ગઈ છે.
કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલયના અહેવાલમાં આંકડાકીય માહિતી અપાઈ હતી જે મુજબ ચુંટણી બાદ બે સપ્તાહમાં જ ઘઉં, દાળ, લોટ, ચોખા તેલ સહિતની ચીજોના ભાવ વધી ગયા હતા. શાકભાજીમાં પણ આવી જ હાલત રહી છે. કોઈ ચીજ સસ્તી મળતી જ નથી.
3 જી જૂનના રોજ ટામેટાંનો સરેરાશ ભાવ 34.73 રૂપિયા પ્રતિ કિલો હતો પણ 17 જૂનના રોજ તે 14.37 ટકા વધીને 39.72 રૂપિયા થઈ ગયો હતો. ડુંગળીના ભાવમાં પણ આવી જ ચાલ રહી હતી અને તે પણ 12.78 ટકા વધી ગઈ હતી. એ જ રીતે બટેટા પણ ભારે મોંઘા થઈ ગયા હતા.
ભોજનની થાળીમાં દાળ પણ પાતળી થઈ ગઈ છે. લગભગ દરેક પ્રકારની દાળના ભાવમાં વધારો થયો છે. આમ લોકોની રસોડાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને ખુદ ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જ આ મુજબની માહિતી આપવામાં આવી હતી.
દૂધ અને ખાંડ પણ મોંઘા
એટલું જ નહીં પણ લોકોના દરરોજના ઉપયોગમાં આવતી ચીજો દૂધ, ખાંડ અને ગોળ પણ મોંઘા થઈ ગયા છે અને લોકોને કોઈ સાઇડમાં કે કોઈ ચીજમાં રાહત મળતી નથી. દૂધના ભાવમાં વધારો થતાં તેની સાથે જોડાયેલી અન્ય આઇટમો પણ ભારે મોંઘી થઈ ગઈ છે.