રાજકોટમાં બપોર બાદ વાદળો છવાતા ગરમીમાં રાહત
રાજ્યમાં ચોમાસાના આગમન સાથે હવે લોકોને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ છે. રાજકોટમાં પણ રવિવારે બપોર સુધી ઉકળાટ રહ્યા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદી માહોલ છવાયો હતો. વાદળિયાં વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને રવિવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમન સાથે જ કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. રાજકોટમાં પણ રવિવારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને વાદળો છવાયા હતા. સાથે જ 16 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. જ્યારે મહતમ તાપમાનનો પારો 40.1 ડિગ્રી રહ્યો હતો. તો બીજી તરફ અમદાવાદમાં 40.3 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી, ભુજમાં 38.7 ડિગ્રી મહતમ તાપમાન રહ્યું હતું.