શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 75,000ને પાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકારની બનવાનો રસ્તો સાફ થઇ જતા શેરબજારે પણ રાહતનો શ્વાસ લીધો છે અને સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે સેન્સેક્સ 692 પોઈન્ટના ઉછાળા સાથે 75,000ને પાર કરી 75,074 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 201 પોઈન્ટના ઉછાળા સાથે 22,821 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8.26 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો. જો કે, BSE માર્કેટ કેપ 4 જૂનના રોજના 426 લાખ કરોડના જીવનકાળના સર્વોચ્ચ સ્તર કરતાં હજુ પણ રૂ. 10 લાખ કરોડ ઓછું છે.
ગુરુવારે અદાણી ગ્રુપના તમામ શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે, પરંતુ અદાણી પાવરના શેરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પાવરે પણ NSE પર રૂ. 790 ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છે, જેનો અર્થ છે કે બુધવારના બંધની સરખામણીમાં શેર 9 ટકા વધ્યો છે.