મનપાની ૬૦૦ મિલકતોમાં ફાયર સેફ્ટી છે કે નહીં ? હવે ખરાઈ કરાશે !
ત્રણેય ઝોન કચેરી, વોર્ડ ઓફિસ, દવાખાના, ઓડિટોરિયમ સહિતની મિલકતોમાં ચકાસણી કરવા ટીમ બનાવતાં મ્યુ.કમિશનર
વધારાનું બાંધકામ-ડોમ દૂર કરવા, ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માંગતા હોય તો કામચલાઉ ધોરણે સીલ ખોલી અપાશે
ફાયર સેફ્ટી મુદ્દે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલી મહાપાલિકા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ રઘવાઈ બની ગઈ છે અને ધડાધડ સીલિંગ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે. બીજી બાજુ મહાપાલિકા હસ્તક ૬૦૦ મિલકતો આવેલી છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો કે એનઓસી છે કે નહીં તેનું ચેકિંગ કરવાનું હવે છેક સૂઝ્યું છે. કોઈ દૂર્ઘટના બને પછી જ જાગવા માટે ટેવાયેલી મહાપાલિકાએ હવે આ તમામ મિલકતોમાં ફાયર સેફ્ટી અને એનઓસીની સ્થિતિ શું છે તેની ખરાઈ કરવા માટે અલગ-અલગ ટીમ બનાવી હોવાનું મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે મહાપાલિકા હસ્તક ૬૦૦ મિલકતો છે જેમાં ત્રણ ઝોન કચેરી, દવાખાના, ઓડિટોરિયમ, વોર્ડ ઓફિસ, હરવા-ફરવાના સ્થળ, લાયબ્રેરી, હોકર્સ ઝોન, પમ્પીંગ સ્ટેશન સહિતનો સમાવેશ થાય છે. આ તમામ મિલકતોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે ત્રણેય ઝોનના સિટી ઈજનેરની ટીમ બનાવવામાં આવી છે જે ટૂંક સમયમાં જ ચેકિંગ કરીને રિપોર્ટ સબમિટ કરશે.
આ ઉપરાંત જે મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે તેનું શું તે અંગેનો પ્રશ્ન પૂછાતાં મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે જો કોઈ મિલકતધારક વધારાનું બાંધકામ, ડોમ દૂર કરવા તેમજ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે તૈયાર હશે તો તેને કામચલાઉ ધોરણે સીલ ખોલી અપાશે. અત્યારે આ અંગેની દરરોજ ૬૦ જેટલી અરજીઓ આવી રહી છે. જો કે આ સીલ માત્ર બાંધકામ સલામત કરવા માટે જ ખોલી અપાશે મતલબ કે મિલકત ધારક તેનો ઉપયોગ કરી શકશે નહીં.
બીજી બાજુ ફાયર સેફ્ટી અંગેના ચેકિંગમાં ગુરૂવારે ૪૬ એકમોની ચકાસણી કર્યા બાદ ૧૭ પાસે એનઓસી ન હોવાને કારણે સીલ મારી દેવાયું હતું.