આ લોકસભા બેઠક પર NOTAએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા, NOTA બન્યું લોકોની પસંદ
દેશભરમાં લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૂરા થયા બાદ આજે મતગણતરી થઈ રહી છે. મતની ગણતરીમાં કોંગ્રેસ (india) ભાજપ (NDA) અને નોટા એમ ત્રણની ગણતરી કરવામા આવતી હોય છે ત્યારે વાત કરીએ મધ્યપ્રદેશની ઈન્દોર સીટની તો અહીં NOTAને અત્યાર સુધીમાં સૌથી વધુ મત મળ્યા છે. આ સાથે ઈન્દોરમાં ‘NOTA’ એ બિહારના ગોપાલગંજનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. અત્યાર સુધીમાં NOTAને 1 લાખથી વધુ વોટ મળ્યા છે. ઈન્દોરમાં NOTA એક લાખને પાર કરી 1,38,265 વોટ મળ્યા છે.
ગોપાલગંજમાં સૌથી વધુ વોટ મળ્યા હતા
તમને જણાવી દઈએ કે 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારની ગોપાલગંજ સીટ પર ‘NOTA’ને સૌથી વધુ વોટ મળ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારના 51,660 મતદારોએ ‘NOTA’નો વિકલ્પ પસંદ કર્યો હતો અને કુલ મતોમાંથી લગભગ પાંચ ટકા મત ‘NOTA’ના ખાતામાં ગયા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સપ્ટેમ્બર 2013માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ‘NOTA’ બટન સામેલ કરવામાં આવ્યું હતું.
ભાજપના ઉમેદવાર લાલવાણી આગળ
ઈન્દોર બેઠક વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર શંકર લાલવાણી તેમના નજીકના હરીફ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંજય સોલંકી કરતાં 3,60,546 મતોથી આગળ છે. અહીં ભાજપના ઉમેદવાર લાલવાણીને અત્યાર સુધીમાં કુલ 5,24,320 વોટ મળ્યા છે. આ સાથે લાલવાણી આ બેઠક પર રેકોર્ડ જીત તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે.
કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી હતી
વાસ્તવમાં, ઈન્દોરમાં કોંગ્રેસના ઘોષિત ઉમેદવાર અક્ષય કાંતિ બમને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 29 એપ્રિલે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું, જેનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. થોડા જ સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. પરિણામે, કોંગ્રેસ આ બેઠકના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.