મનપાના નાક નીચે બાંધકામ થતાં ગેઇમ ઝોનનું કામ રાતોરાત બંધ
વોઇસ ઓફ ડે ઇમ્પેક્ટ : પડદા પાછળનો રાઝ ખૂલ્યો
મનપાએ કામ બંધ કરવાની નોટિસ આપી પણ માલિકે ગણકારી નહીં : વોઇસ ઓફ ડેમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં માલિકનું ભોપાળું છતું થયુને બાંધકામ બંધ કરી દીધું
રાજકોટમાં મનપા નાક નીચે બિગ બજાર વાળી શેરીમાં મહાદેવ ટેમ્પલ ગાર્ડનની સામે બે માળનું ગેઇમ ઝોનનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું.આ બાંધકામ પ્લાન મુજબ ન હોવાથી તેને મનપાએ નોટિસ પણ આપી હતી પરંતુ તેને નોટિસને ગણકારી ન હતી. જેથી આ મુદે વોઇસ ઓફ ડે દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા જ માલિકે રાતોરાત બાંધકામ બંધ કરી દીધું હતું.
રાજકોટમાં TRP ગેઇમ ઝોન અગ્નિકાંડ થતાં જ તમામ ગેઇમ ઝોનને મનપાએ બંધ કરવાની સૂચના આપી હતી. જ્યારે શહેરમાં બિગ બઝાર પાસેના રેસિડેન્ટ એરિયામાં બે માળનું ગેઇમ ઝોન બની રહ્યું હોવાનું મનપાના ધ્યાને જ આવ્યું ન હતું. ટીઆરપીની ઘટના બની એટલે અહી ગેઇમ ઝોનના માલિક અમિત શર્માએ બાંધકામ આગળ પડદો નાખીને છાના છૂપે કામગીરી શરૂ રાખી હતી. અને પૂરેપૂરું બાંધકામ પતરાંના માચડા પર ખડકીને કરવામાં આવ્યું હતું. આ બાબતનું ધ્યાન વોઇસ ઓફ ડેની ટીમને આવતા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે,માલિકે પ્લાન મુજબ કામ ન કરતાં તેને મનપાએ નોટિસ ફટકારી હતી અને કામ બંધ કરવાની સૂચના આપી હતી. પરંતુ માલિકે નોટિસને પણ ગણકારી ન હતી. અને કામ ચાલુ રાખ્યું હતું. જેથી આ બાબતે વોઇસ ઓફ ડે દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરતાની સાથે માલિકે લાઇન પર આવી રાતોરાત કામ બંધ કરી દીધું હતું. જ્યારે માલિકે મનપાની નોટિસનો ઉલાળ્યો કરતાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાંમાં આવવાની હોવાનું પણ મનપામાંથી જણાવા મળ્યું છે.