ટી-20 વર્લ્ડકપ: હાઈ-સ્કોરિંગ મેચમાં અમેરિકાએ કેનેડાને હરાવ્યું
આરોન જોન્સે ઝૂડ્યા અણનમ ૯૪ રન, એન્ડ્રીઝની પણ ફિફટી: કેનેડાએ આપેલા ૧૯૫ના લક્ષ્યાંકને ૧૭.૪ ઓવરમાં જ કર્યો હાંસલ
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપનો પ્રારંભ અમેરિકાએ ધમાકેદાર અંદાજમાં કર્યો છે. એન્ડ્રીઝ ગોસ અને આરોન જોન્સની જોડીએ તોફાની બેટિંગ કરીને કેનેડાના બોલરોની બેફામ ધોલાઈ કરી હતી. પહેલાં બેટિંગ કરતાં કેનેડાની ટીમે નવનીત ધાલીવાલ અને નિકોલસ કિર્ટનની ફિફટીના દમ પર પાંચ વિકેટે ૧૯૪ રનનો સ્કોર બનાવ્યો હતો. અમેરિકાના બેટરોએ આ સ્કોરને નાનો કર્યો હતો. બન્નેએ ફિફટી બનાવી અને સદીની ભાગીદારી કરતા મેચને લગભગ પૂર્ણ કરી દીધી હતી. ૧૭.૪ ઓવરમાં જ અમેરિકાએ ૩ વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી લીધી હતી.
કેપ્ટન મોનાંક પટેલે ટોસ જીતીને કેનેડા વિરુદ્ધ પહેલાં બોલિંગ પસંદ કરી હતી. નવનીત ધાલીવાલ અને કિર્ટને ૧૯૪ સુધી સ્કોર પહોંચાડ્યો હતો. જવાબમાં અમેરિકાનો સ્ટિવન ટેલર ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા બાદ કેપ્ટન મોનાંક પણ માત્ર ૧૬ રન જ બનાવી શક્યો હતો. બે વિકેટ ગુમાવ્યા બાદ કેનેડા હાવી થઈ ગયું હતું.
એન્ડ્રીઝ ગૌસ અને આરોન જોન્સની જોડીએ મેચ પલટી દીધી હતી. આરોન જોન્સે માત્ર ૨૨ દડામાં ૬ છગ્ગા અને ૧ ચોગ્ગાની મદદથી ફિફટી પૂરી કરી તો એન્ડ્રીઝ ગૌસે ૩૯ દડામાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ફિફટી બનાવી હતી. માત્ર ૩૦ દડામાં ૨૩૫ના સ્ટ્રાઈક રેટથી જોન્સે ૧૦ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી અણનમ ૯૪ રનની ઈનિંગ રમી ટીમને જીત સુધી પહોંચાડી હતી