2019 માં ભાજપના ચાર ઉમેદવારની સરસાઈ 6 લાખથી પણ વધારે હતી
ભાજપને મળેલી 303 બેઠકોમાંથી 224 બેઠકો પર 50%થી વધુ મત મળ્યા હતા
2019 ની ચૂંટણીમાં બાલાકોટ એર સ્ટ્રાઈકને કારણે
રાષ્ટ્રવાદનો પ્રચંડ જુવાળ ઉઠ્યો હતો અને ભાજપે એટલે હાથે 303 બેઠકો મેળવી ચમત્કાર સર્જ્યો હતો. મતદારોએ ખોબલે ખોબલે ભાજપની મત પેટી છલકાવી દીધી હતી. 303 માંથી 224 બેઠક ઉપર તો ભાજપના ઉમેદવારોને 50 ટકા કરતાં વધારે મત મળ્યા હતા. એ ચૂંટણીમાં 543 ઉમેદવારો માંથી ચાર ઉમેદવારોને છ લાખ કરતા પણ વધારે મતની જંગી સરસાઈ મળી હતી અને એ તમામ ઉમેદવારો ભારતીય જનતા પક્ષના હતા.
ગુજરાતમાં સુરતની બેઠક પર 6,89,668 મતની સરસાઈ મેળવી સી.આર પાટીલે ઇતિહાસ સર્જ્યો હતો. હરિયાણામાં કરનાલની બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય ભાટીયાને 6,56,142 મતની સરસાઈ પ્રાપ્ત થઈ હતી. ફરીદાબાદમાં ભાજપના ઉમેદવાર કૃષ્ણપાલ 6,38,239 મતની સરસાઈથી વિજયી થયા હતા. એ જ રીતે રાજસ્થાનના ભીલવાડાની બેઠક પર ભાજપના ઉમેદવાર સુભાષચંદ્રએ 6,12,142 મતની સરસાઈ મેળવી હતી.
169 બેઠકો પર સરસાઈ એક લાખથી ઓછી હતી
લોકસભાની 543 માંથી 31% એટલે કે 169 બેઠકો પર વિજેતા ઉમેદવારોની સરસાઈ 181 થી એક લાખ મત વચ્ચેની હતી.આ બેઠકો પર આ વખતે શું થાય છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. ઉત્તર પ્રદેશની 29, પશ્ચિમ બંગાળની 18 અને ઓરિસ્સાની 14 બેઠકો પર વિજેતા ઉમેદવારો વચ્ચે હાર જીતનું અંતર 181 થી એક લાખ મત વચ્ચે રહ્યું હતું.ઉત્તર પ્રદેશની મછલીપુર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર માત્ર 181 મતની સરસાઇથી વિજય થયા હતા. અમેઠીની બેઠક પર રાહુલ ગાંધી સામે સ્મૃતિ ઈરાનીએ 55120 મતની સરસાઈ મેળવી હતી. કર્ણાટકમાં પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા પણ માત્ર 13,339 મતની પાતળી સરસાઈ મેળવી શક્યા હતા. ઉત્તર પ્રદેશમાં કનૌજની બેઠક પર અખિલેશ યાદવના પત્ની ડીમ્પલ યાદવનો વિજય પણ 12000 મતની પાંખી સરસાઇથી થયો હતો. આડિશામાં પુરીની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા 12,000 મતથી ચૂંટણી હારી ગયા હતા.
13 બેઠકો પર પાંચથી છ લાખ મત વચ્ચેની સરસાઈ હતી
તેર બેઠકો ઉપર વિજેતા ઉમેદવારોએ પાંચથી છ લાખ વચ્ચેની સરસાઈ મેળવી હતી.ગુજરાતમાં ગાંધીનગરની બેઠક પરથી ગૃહ મંત્રી અમિત શાહનો 5.57 લાખ મતની સરસાઈ થી વિજય થયો હતો. વડોદરાની બેઠક ઉપર ભાજપના જ ઉમેદવાર રંજનબેન ભટ્ટએ પણ 5.89 લાખની સરસાઈ મેળવી હતી. દિલ્હીની બેઠક પર પ્રવેશ વર્માએ હરીફ ઉમેદવાર કરતા 5.78 લાખ વધારે મત મેળવ્યા હતા.
34 બેઠકો પર હાર જીત વચ્ચે ચારથી પાંચ લાખનું અંતર હતું
રાજસ્થાનમાં ભાજપના છ ઉમેદવારોની સરસાઈ ચારથી પાંચ લાખ મત વચ્ચેની હતી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ત્રણ ત્રણ અને મધ્યપ્રદેશ તથા ઝારખંડમાં ચાર ચાર બેઠકો પર વિજેતા ઉમેદવારોએ ચારથી પાંચ લાખ મત વચ્ચેની સરસાઈ પ્રાપ્ત કરી હતી. વારાણસીની બેઠક ઉપર વડાપ્રધાન મોદી 4.75 લાખ મતની સરસાઈથી વિજયી થયા હતા
