કર્ણાટકના હવસખોર સાંસદ પ્રજવલ રેવન્નાની અંતે ધરપકડ : 6 જૂન સુધી SIT કસ્ટડીમાં મોકલાયો
- એસઆઇટીએ બેંગ્લોર એરપોર્ટ પરથી ઉપાડી લીધો
- કર્ણાટકના હવસખોર સાંસદ પ્રજવલ રેવન્નાની અંતે ધરપકડ
- વિડીયો વાયરલ થયા બાદ જર્મની ભાગી ગયો હતો.
મહિલાઓ સાથે યોન શોષણ કરવાના આરોપી, જેડીએસ ના સાંસદ અને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાના પૌત્ર પ્રજવલ રેવન્નાની ગુરુવારની મોડી રાત્રે બેંગ્લોર એરપોર્ટ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રજવલ જેડીએસ તરફથી કર્ણાટકની હસન બેઠક ઉપર ચૂંટણી લડ્યો હતો .મતદાનના બે દિવસ પૂર્વે જ અનેક મહિલાઓ સાથેના તેના વિડીયો વાયરલ થતાં ભારે સનસનાટી ફેલાઈ હતી. 26 મી એપ્રિલે મતદાન પૂર્ણ થતા જ તે જર્મની ભાગી ગયો હતો. 36 દિવસ ત્યાં રોકાયા બાદ ગુરુવારે તે ભારત પરત ફર્યો તે સાથે જ આ ગુનાની તપાસ માટે રચાયેલી સીટ દ્વારા એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.ધરપકડ કર્યા બાદ શુક્રવારે તેમને કોર્ટમાં રજૂ કર્યો હતો . કોર્ટે તેને છ જૂન સુધી SIT કસ્ટડીમાં મોકલ્યો છે.
તેની સામે આઈપીસીની કલમ 354A (યૌન શોષણ), 354D (પીછો કરવો) 506 (ધમકી આપવી) અને 509 (મહિલાની મર્યાદાનું અપમાન કરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ગુનાઓની તપાસ માટે કર્ણાટક સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થવા માટે તેને જાહેર સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બાદમાં પ્રજ્વલે થોડા દિવસ પહેલા એક વીડિયો જારી કર્યો હતો, જેમાં તેણે 31 મે એ એસઆઈટી સમક્ષ રજૂ થશે તેવી જાણકારી આપી હતી.
પિતાની પણ ધરપકડ: પક્ષે સસ્પેન્ડ કર્યો
પ્રજવલ રેવન્નાના પિતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી એચડી રેવન્નાની પણ અપહરણ અને જાતિય દૂર વ્યવહારના કેસમાં ચાર મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પ્રજવલના સેક્સ કાંડ ને પગલે જેડીએસ તેમજ તેની સાથે ગઠબંધન કરનાર ભાજપ બંને કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. જેડીએસ દ્વારા બાદમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ સેક્સ કાંડની તપાસ માટે નીમવામાં આવેલ એસઆઇટીની અનેક નોટિસ પછી પણ પ્રજવલ હાજર ન થતાં તેની સામે બ્લુ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી.