” ડોનાલ્ડ ટ્રમ્પ ગુનેગાર હૈ ” ગુનેગાર ઠર્યા હોય તેવા અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ
- હશ મની કેસમાં તમામ 34 આરોપોમાં દોષિત: 11મી તારીખે સજા સંભળાવશે: જોકે ચૂંટણી લડી શકશે
અમેરિકાના ઇતિહાસની ઐતિહાસિક ઘટના તરીકે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હશ મની કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ન્યુયોર્કની અદાલતમાં જીયુરીના તમામ 16 સભ્યોએ બે દિવસમાં 11 કલાકની ચર્ચા કર્યા બાદ 77 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પને તમામ 36 આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. અમેરિકાના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિ ગુનેગાર ઠર્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. જ્યુરીએ પોતાનો ચુકાદો આપી દીધા બાદ હવે જજ જુઆન મર્ચન્ટ 11મી જુલાઈના રોજ સજા ફરમાવશે. આ કેસમાં ગુનેગારને ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે ગુનેગાર જાહેર થયા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડી શકશે અને વિજેતા બને તો ફરી અમેરિકાના પ્રમુખ પણ બની શકશે.
ડોનાલ્ડ ટ્રમ્પે 2006 માં પોર્ન સ્ટાર સ્ટેફિની કિલ્ફોર્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. 2016 ની ચૂંટણી સમયે એ મુદ્દો સપાટી ઉપર આવી ગયા બાદ પોર્ન સ્ટારે ડોનાલ્ડ ટ્રમ્પને ઉઘાડા પાડવાની ધમકી આપતા ટ્રમ્પે તેને 1.30 લાખ ડોલર ચૂકવ્યા હતા. એ ચુકવણાના વ્યવહાર છુપાવવા માટે ટ્રમ્પે બિઝનેસ રેકોર્ડ્સમાં ચેડાં કર્યા હતા.
આ અંગે તેમની સામે 34 આરોપો બદલ ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેની સુનાવણી દરમિયાન પોર્ન સ્ટારએ 2006 માં બાંધેલા શારીરિક સંબંધની ઘટનાનું અદાલતમાં વિસ્તૃત વર્ણન કર્યું હતું. બંને પક્ષની દલીલો બાદ જ્યુરીએ માન્યુ કે ટ્રમ્પે પોર્નસ્ટારનું મોઢું બંધ રાખવા માટે નાણા આપી અને એ હકીકતને છુપાવી પોતાની વર્તણૂક અને ચારિત્ર્યની સાચી માહિતી મતદારોથી છુપાવવાનો ગુનો કર્યો હતો. નોંધનીય છે કે આ કેસમાં જ્યુરીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી. સામાન્ય રીતે માફિયાઓ અથવા તો આતંકવાદીઓ સામેના કેસમાં જ જયુરીની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
ટ્રમ્પ ડોનેશન આપવા ‘ રાષ્ટ્રવાદીઓ’ ના ઘસારાને કારણે વેબસાઈટ ક્રેશ થઈ ગઈ
જ્યુરીએ ચુકાદો સંભળાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું નિર્દોષ છું. હું રાજકીય કેદી છું. અમે અંત સુધી લડશો અને જીતીશું.બીજી તરફ ટ્રમ્પ ગુનેગાર ઠર્યા બાદ તેમના કહેવાતા ‘રાષ્ટ્રવાદી’ સમર્થકો તેમની તરફેણમાં આવી ગયા હતા. ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇન માટેની વેબસાઈટ પર દાન દેવા માટે એટલો તો ધસારો થયો કે વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
ટ્રમ્પ સામે અન્ય કેસ પણ ચાલુ
ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020 ની ચૂંટણીના પરિણામો ફેરવી નાખવાના ષડયંત્ર સબબ તેમ જ વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ ગુપ્ત અને સંવેદનશીલ દસ્તાવેજોને પોતાના કબજામાં રાખવા સહિતના અન્ય આરોપો અંગે પણ કેસ ચાલુ છે. જોકે આ કેસની ટ્રાયલ આગામી નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણી પહેલા શરૂ થવાની સંભાવના નહીંવત છે.