અધિકારીઓ જ બેદરકાર : અગ્નિકાંડની તપાસનો પ્રાથમિક અહેવાલ સરકારને સુપરત
સીટના અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા : આખરી અહેવાલ આવતા અઠવાડિયુ થશે : બેદરકારો સામે પગલાં લેવા ભલામણ
TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે પોતાનો પ્રાથમિક અહેવાલ રાજ્ય સરકારને સોંપી દીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રાથમિક અહેવાલમાં ઉચ્ચ અધિકારીઓની સ્પષ્ટ લાપરવાહીની નોંધ કરવામાં આવી છે. આ અહેવાલના આધારે હવે રાજ્ય સરકાર આગળના પગલાં વિચારશે. જો કે, તપાસ ટીમ પોતાનો ફાઈનલ રીપોર્ટ હજુ અઠવાડિયા પછી સુપ્રત કરશે તેવું પણ જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં આ અગ્નિકાંડમાં મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ પોલીસ કમિશ્નર તથા મ્યુનિ.કમિશ્નર સહિત ચાર આઈએએસ-આઈપીએસની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે. હવે પ્રાથમિક રિપોર્ટ સરકારને મળ્યા બાદ ફરી સરકાર એકશનમાં આવે અને અન્ય કેટલાક જવાબદારો સામે પણ પગલાં ભરાયતેવી શકયતા જોવામાં આવી રહી છે. સુત્રોએ કહ્યું હતું કે, પ્રાથમિક રીપોર્ટમાં જ અધિકારીઓની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ તપાસ સમિતિએ સતત બે દિવસ સુધી TRP ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં. આ ઉપરાંત આ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા તમામ વિભાગોના અધિકારીઓ તથા જવાબદારો અને કેટલાક સાક્ષીઓના નિવેદનો પણ બંધબારણે નોંધ્યા હતાં. આ ઉપરાંત ટીઆરપી ગેમઝોનની બાંધકામ પરવાનગી, ફાયર NOC, પોલીસ દ્વારા અપાયેલી મંજુરી, મનારંજન લાયસન્સ સહિતની સંલગ્ન બાબતોના જરૂરી ડોકયુમેન્ટ પણ અલગ અલગ વિભાગો પાસેથી મેળવી અને પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો.
સરકાર દ્વારા આ તપાસ સમિતિને દસ દિવસમાં સંપૂર્ણ અહેવાલ અને ૭૨ કલાકમાં દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ આપવા સુચના આપવામાં આવી હતી અને તેને પગલે પગલે બે દિવસ તપાસ કર્યા બાદ ગત મોડી રાત સુધી સીટના સભ્યોએ જરૂરી નિવેદનો નોંધ્યા હતાં અને આજે સવારે SITના તમામ સભ્યો ગાંધીનગર જવા રવાના થયા હતાં.
45 અધિકારીઓના નિવેદનો નોંધ્યા
આ મામલામાં રાજકોટના પોલીસ તથા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની પુછપરછ કરી 45 જેટલા અધિકારીઓ-કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, સીટના સભ્યોએ રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર વિધી ચૌધરી , ડીસીપી સુધીર દેસાઈ તેમજ કેટલાક પોલીસ ઈન્સ્પેકટરો અને પોલીસ સબ ઈન્સ્પેકટરોની પણ પુછપરછ કરી તેમના નિવેદનો નોંધ્યા છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગનાં જવાબદાર ઈજનેરો તથા મહાનગરપાલિકાના ટીપી અને એસ્ટેટ વિભાગનાં અધિકારીઓની પણ પુછપરછ કરી તેમના નિવેદનો નોંધ્યા હતાં.