દીવા તળે અંધારું… જામનગર મનપા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં જ ફાયરના સાધનોનો અભાવ
રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકા નું તંત્ર જાગ્યું હતું અને શહેરમાં ચાલતા ગેમ ઝોન તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા હતા પરંતુ જામનગર મહાનગરપાલિકામાં ખાટલે જ મોટી ખોટ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં જ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો તેમજ જે સાધનો હયાત હતા તેની ડેટ પણ એક્સપાયર્ડ થઈ ગઈ હતી.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ સંકુલમાં ઘોર બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ ઇન્ડોર સ્ટેડિયમમાં એક્સપાયરી ડેટ વાળા સાધનો જોવા મળ્યા હતા. સ્પોર્ટ સંકુલ માં દીવસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં બાળકો આવે છે. ત્યારે સરકારી સ્ટેડિયમમાં જ તંત્રની ઘોર બેદરકારી આવી સામે આવી હતી. સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં માત્ર છ જેટલા ફાયર સેફ્ટીના બાટલા રાખવામાં આવ્યા છે. અને સેફટીના બાટલા ગત 14/03/2024 એક્સપાયર થઈ ગયા છે. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા રિફલીંગ કરાવવામાં આવ્યું નથી.
રાજકોટમાં અગ્નિકાંડ બાદ જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા 14 જેટલા ગેમઝોન તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા તેમજ 14માંથી એક પણ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી આવવાનું સામે આવ્યું હતું ત્યારે એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે ફાયર એનઓસી આપતી મહાનગરપાલિકા સંચાલિત સંકુલોમાં પણ ફાયર એનઓસી ન હોવાથી તેની સામે પગલાં કોણ લેશે. તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે શું પોતાના ઓથોરિટી નીચે આવતા સંકુલોનું ચેકિંગ ક્યારેય કરવામાં આવતું નથી ? જોકે આ અંગે જામનગર મહાનગરપાલિકાના સ્પોર્ટ સંકુલના ઇન્ચાર્જ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટની ઘટના બાદ તરત જ ફાયરના સાધનો ની ચકાસણી કરવામાં આવી હતી અને તેમાં ફાયરના બાટલાઓ ની રિફરિંગ કરવાની તારીખ જતી રહી હોવાથી હાલમાં જ રિફિલિંગ કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે.