ગેઈમ ઝોનની દૂર્ઘટનાના વિલન’ યુવરાજસિંહ-નીતિન જૈન પકડાયા: ૫ ફરાર
ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર હીરન, રાહુલ રાઠોડને પકડવા ક્રાઈમ બ્રાન્ચના ઠેર-ઠેર દરોડા
એડિનશનલ સીપીના વડપણ હેઠળ
સીટ’ની રચના: આરોપીઓ વિદેશ ન ભાગી જાય તે માટે લુકઆઉટ નોટિસ જાહેર
શહેરના મોકાજી સર્કલ પાસે સયાજી હોટેલ પાછળ આવેલા ટી.આર.પી.ગેઈમ ઝોનમાં ભીષણ આગ લાગ્યાની ગોઝારી દૂર્ઘટનાના મુખ્ય આરોપી એવા યુવરાજસિંહ હરિસિંહ સોલંકી તેમજ ગેઈમ ઝોનના મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે પાંચ આરોપી હજુ ફરાર હોય તેને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ચાર ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ દૂર્ઘટનામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયાએ ફરિયાદી બની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે જે.એસ.પાર્ટી પ્લોટ તેમજ આશુતોષ પાર્ટી પ્લોટ પર સંયુક્ત રીતે ધવલ કોર્પોરેરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠક્કર તેમજ રેસ-વે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલિતભાઈ રાઠોડે મળીને ટીઆરપી ગેઈમ ઝોન બનાવ્યું છે. સંચાલકો દ્વારા ફાયર સેફ્ટીના કોઈ જ સાધનો રાખવામાં આવ્યા ન્હોતા સાથે સાથે આગ જેવી કોઈ ઘટના બને તો તેને પહોંચી વળવા માટેની કોઈ જ વ્યવસ્થા પણ કરવામાં આવી ન્હોતી. ફરિયાદના આધારે તાલુકા પોલીસે ધવલ, અશોકસિંહ, કિરીટસિંહ, પ્રકાશચંદ્ર, રાહુલ સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે યુવરાજસિંહ સોલંકી કે જે ગેઈમ ઝોનનો મુખ્ય વહીવટકર્તા હતો તે અને ગેઈમ ઝોનના મેનેજર નીતિન જૈનને પકડી પાડ્યા છે.
દરમિયાન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને પકડવા માટે તેમજ દૂર્ઘટનાની આગળની તપાસ કરવા માટે અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીના વડપણ હેઠળ ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈ, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સહિતનાની એક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવવામાં આવી છે. બીજી બાજુ ફરાર આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે ઠેર-ઠેર દરોડા પણ પાડ્યા છે પરંતુ હાથમાં આવ્યા ન હોય તેઓ વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ પણ ઈશ્યુ કરવામાં આવી છે.
યુવરાજસિંહ દર મહિને એક લાખ પગાર લેતો
જાણવા મળ્યા પ્રમાણે ગેઈમ ઝોનનો સંચાલક યુવરાજસિંહ સોલંકી દર મહિને એક લાખ રૂપિયા પગાર લેતો હતો. આ ઉપરાંત તેની ૧૫% ભાગીદારી પણ હોવાનું ખુલ્યું છે. જ્યારે ફરાર થઈ ગયેલા પ્રકાશ હીરન મુળ રાજસ્થાનનો છે તો રાહુલ રાઠોડ કે જે ગોંડલ રહે છે તેની પણ ગેઈમ ઝોનમાં ભાગીદારી ખુલી છે. પોલીસે રાહુલને પકડવા ગોંડલમાં પણ દરોડા પાડ્યા હતા પરંતુ તે હાથ લાગ્યો ન્હોતો.