અમદાવાદના CG રોડ જેવા બનનારા પેડક રોડ પર જ્યાં જુઓ ત્યાં દબાણ
જ્યાં પાર્કિંગની વ્યવસ્થિત જગ્યા મળી રહે, ચાલવા માટે પૂરતી ફૂટપાથ મળે તે પ્રકારનો `ગૌરવપથ’ બનાવવાના સ્વપ્ન વચ્ચે વરવી વાસ્તવિક્તા
હદ થઈ ગઈ…દુકાનની બહાર જ માલિક દ્વારા રેંકડીઓ ઉભી રાખીને કરાતો વેપાર
સંતકબીર રોડ, કૂવાડવા રોડની હાલત પણ બદથી બદતર

મહાપાલિકા દ્વારા શહેરના પેડક રોડને અમદાવાદના સી.જી.રોડ કે જેને આઈકોનિક રસ્તા તરીકે ઓળખવામાં આવે છે તેવો જ બનાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચની જોગવાઈ કરી છે.

જો કે અહીંથી નિયમિત રીતે પસાર થનારા લોકોને જ્યારે પેડક રોડની કાયાપલટ થવાની વાત કરવામાં આવે એટલે સૌથી પહેલાં તો તેઓ હસે છે અને પછી કહે છે કે એવું કરતાં પહેલાં અહીંના રસ્તા પર આડેધડ ખડકાઈ ગયેલા દબાણો અને ફૂટપાથો પર થયેલા પથારાને દૂર કરો પછી ગૌરવપથ બનાવવાની વાત કરો ! મનપાના દાવા પ્રમાણે પેડક રોડને એવો બનાવાશે જ્યાં વાહન પાર્કિંગની વ્યવસ્થિત જગ્યા મળી રહે, ચાલવા માટે પૂરતી ફૂટપાથ મળી રહે પરંતુ વાસ્તવિક્તા એ છે કે અત્યારે અહીં મહત્તમ જગ્યા પર દબાણો થઈ ગયા છે જેને દૂર કરતા કરતા મહાપાલિકાના પગે પાણી ઉતરી જાય તેવી સ્થિતિ છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે અહીંના દુકાનદારો દ્વારા પોતાની દુકાનમાં ધમધોકાર ધંધો કરે છે જેમાં વધારો કરવા દુકાન બહાર રેંકડી ગોઠવી દઈ ફૂટપાથ દબાવી દેવામાં આવી છે. આ જ રીતે અનેક દુકાનો બહાર જાહેરાતોના બોર્ડ મુકી દેવાયા છે તો જ્યાં જુઓ ત્યાં વાહન પાર્કિંગ કરીને જગ્યા દબાણયુક્ત કરી દેવાઈ છે. આવી જ સ્થિતિ સંતકબીર રોડ, કૂવાડવા રોડની પણ છે જ્યાં દબાણોને કારણે લોકોની મુશ્કેલીનો પાર રહેતો નથી. અહીંની એક પણ ફૂટપાથ ઉપર ચાલવા માટે જગ્યા બચી નથી અને ગેરકાયદેસર રીતે પાર્કિંગ ઉભું કરી દેવામાં આવ્યું છે.
