ક્યારે છે 5માં તબક્કાનું મતદાન ? જાણો કેટલી બેઠક પર થશે મતદાન
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયાના ચાર તબક્કા પૂર્ણ થયા છે. પાંચમા રાઉન્ડ માટે ચૂંટણી પ્રચાર શનિવારે સાંજે સમાપ્ત થઈ ગયો હતો. આ તબક્કા માટે 20 મેના રોજ આવતી કાલે મતદાન થવાનું છે. યુપીની 14, મહારાષ્ટ્રની 13, બંગાળની 7, બિહાર-5, ઓડિશા -5, ઝારખંડ-3, જમ્મુ-કાશ્મીર-1, લદાખ 1 બેઠકો પર મતદાન થશે.
આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે મતદાન થશે. આ રાજ્યોમાંથી 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોદી સરકારના 9 મંત્રીઓના ભાવિ આવતી કાલે ઇવીએમમાં કેદ થઈ જવાના છે.
રાજનાથ સિંઘ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, ચિરાગ પાસવાન, ઉમર અબ્દુલ્લાહ, પિયુષ ગોયલ સહિતના ટોચના ઉમેદવારો મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને એનડીએ માટે વીજળીક પ્રચાર કરી રહ્યા છે. યુપીમાં એમણે સભાઓની સંખ્યા વધારી દીધી છે.
બીજી બાજુ વિપક્ષના નેતાઓ પણ રેલીઓ કરી રહ્યા છે. જેમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી તેમજ ખડગે સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. પાંચમા તબક્કા માટે શનિવારે પ્રચાર શાંત થઈ ગયો હતો અને ડોર ટુ ડોર પ્રચાર ગતિશીલ બન્યો હતો. આમ તો બધા જ પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે પણ મોટાભાગના સર્વેમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને સૌથી વધુ બેઠકો મળી રહી છે તેવો દાવો થયો છે.
મોદી સરકારના કેટલા મંત્રી મેદાને
પાંચમા તબક્કામાં નરેન્દ્ર મોદી સરકારના 9 મંત્રીઓ મેદાનમાં છે. જેમાં પિયુષ ગોયલ, કૌશલ કિશોર, રાજનાથ સિંઘ, સ્મૃતિ ઈરાની, સાધ્વી નીરંજન જ્યોતિ, ભારતી પવાર, અન્નપૂર્ણા દેવી, કપિલ પાટિલ અને શાંતનુ ઠાકુરનો સમાવેશ થાય છે. આ બધાના ભાવિ આવતી કાલે સીલ થઈ જશે.