મુંબઈની હોર્ડીંગ દુર્ઘટનામાં કેટલો થયો મૃત્યુ આંક ? વાંચો
સોમવારે વિકલી ઓફ બાદ મુંબઈકર નોકરી-ધંધા પર ગયા હતા તેવે સમયે સાંજે ભયાનક આંધી તોફાન સાથે વરસાદ અને મિનિ વાવાઝોડું ફુંકાયું હતું જેમાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પાસે વિશાળ હોર્ડીંગ પડી જવાથી મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં સતત મૃયુઆંક વધી રહ્યો છે. મંગળવાર સુધીમાં 14 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ સાથે જ 74 લોકો ઘાયલ થયા હોવાના આંકડા પણ સામે આવી રહ્યા છે.
સૌ પ્રથમ તો ગઇકાલે ધૂળની ડમરીઓ અને ગોટેગોટા ઉમટ્યા હતા અને ત્યારબાદ ભારે વરસાદ થયો હતો. જેને કારણે શહેરમાં જ્યાં જુઓ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.
હોર્ડિંગના માલિક સામે કાર્યવાહી
આ દુર્ઘટનાનાં કલાકોમાં જ મુંબઈ પોલીસે શહેરમાં ધરાશાયી થયેલા આ ભયાનક હોર્ડિંગના માલિક ભાવેશ ભીડે સામે કેસ નોંધ્યો હતો અને તેની સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ભાવેશ ભીંડે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર છે, જેણે આ મહાકાય હોર્ડિંગ લગાવ્યું હતું. તેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.
