ગુજરાતની શાળાઓને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલના કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે અને માહિતી આપી છે કે ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાનના ફૈસલાબાદથી મોકલવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો મોકલવામાં આવેલ ઈમેલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કંઈ મળ્યું નહોતું, તેની પાછળનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો.
દિલ્હી અને અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા .
તાજેતરમાં દિલ્હી-એનસીઆર અને પછી અમદાવાદમાં 23થી વધુ અલગ-અલગ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જાણકારી અનુસાર, ઈમેલ મળ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસની ટીમ બોમ્બ સ્કવોડ સાથે સ્કૂલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
મતદાનના આગળના દિવસે જ મળી હતી ધમકીઓ
ગુજરાતમાં ચૂંટણીના મતદાનના આગળના દિવસે જ આ ધમકીભર્યા ઇમેઇલ મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીરતાને ધ્યાનમાં લઇને ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસે તાત્કાલીક બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કવોડ દ્વારા સ્કૂલોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે કલાકોની તપાસ બાદ કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નહતી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમજ આ વિસ્તારોમા પોલીસ પેટ્રોલિંગ શરુ કરાયું હતુ.