શરદ પવારે શું આપ્યો સંકેત ? વાંચો
કોની સાથે વિલય કરશે ?
મહારાષ્ટ્રના એનસીપી શરદ પાર્ટીના વડા શરદ પવારે લોકસભા 2024 ચુંટણી બાદના રાજકીય પગલાં અંગે મોટી ભવિષ્યવાણી કરી દીધી હતી. બુધવારે એમણે એમ કહ્યું હતું કે ચુંટણી બાદ દેશના અનેક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની નજીક આવી શકે છે. કેટલીક પાર્ટીઓ કોંગ્રેસમાં ભળી પણ જશે.
એમણે કહ્યું હતું કે કેટલાક સમય બાદ અનેક નાના પક્ષો કોંગ્રેસની નિકટ આવી જશે તેવો માહોલ બની જવાનો છે. મીડિયા સાથેની વાતચિત દરમિયાન પવારે કહ્યું હતું કે આગામી સમયમાં અનેક પ્રાદેશિક પક્ષોને એવી અનુભૂતિ થશે કે કોંગ્રેસમાં વિલય જરૂરી છે. અસ્તિત્વ માટે એ લોકો આ પગલું લઈ શકે છે.
તમે તમારી પાર્ટીનો વિલય પણ કરશો ? તેવા સવાલ અંગે પવારે કહ્યું હતું કે હું મારી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બહુ અંતર જોતો નથી. અમે વૈચારિક રીતે ગાંધીજી અને નહેરુની લાઇનને જ માનીએ છીએ. અમારા વિચારો ખૂબ મળતા આવે છે. આમ કહીને પવારે પણ સંકેત આપી દીધો હતો.
સાથે શરદ પવારે એવી ભવિષ્યવાણી પણ કરી હતી કે મહારાષ્ટ્ર અને યુપી જેવા રાજ્યોમાં ભાજપ વિરુધ્ધ અંડરકરંટ દેખાય છે. મોટી સંખ્યામાં એવા પક્ષો છે જે નરેન્દ્ર મોદીને પસંદ કરતાં નથી. આમ આવા રાજ્યોમાં ભાજપ અને તેના સાથીઓને નુકસાન થશે.