સામાન્ય દિવસોમાં આટલા જ એક્ટિવ' રહે તો ગુનાખોરી અંકુશમાં આવી જાય...!
૯ હથિયાર-૧૩ કાર્ટિસ ઝબ્બે: ૧૧૧૦૮ સામે અટકાયતી પગલાં: નાસતાં ફરતાં ૪૫ને દબોચ્યા, ૨૬૯૧ હથિયાર જમા લેવાયા: ચૂંટણી અંતર્ગત પોલીસની
કામગીરી’
લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતની ૨૫ બેઠકો ઉપર આવતીકાલે મતદાન થવાનું છે. ગુજરાત સહિત દેશભરમાં ૧૬ માર્ચથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે જેના કારણે પોલીસ દ્વારા ચૂંટણી દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે જોરશોરથી કામગીરી' કરવામાં આવી રહી છે. આચારસંહિતા લાગુ પડ્યાથી લઈ આજ સુધીના ૫૦ દિવસમાં શહેર પોલીસે ૩૨ ગુનેગારને પાસા, બેને તડીપાર કર્યા છે તો ૩૭ લાખનો દારૂ, ૩.૧૫ લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે. એકંદરે ચૂંટણીમાં જે પ્રકારે પોલીસે
એક્ટિવ મોડ’માં કામ કર્યું છે તેવું જ સામાન્ય દિવસો એટલે કે ચૂંટણી ન હોય ત્યારે કરવામાં આવે તો ગુનાખોરી ખરેખર અંકુશમાં આવી જાય તેવું શહેરના પ્રબુદ્ધ નાગરિકોનું માનવું છે.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે લોકસભા ચૂંટણી અંર્તગત ૧૧૧૦૮ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેમાં ૩૨ને પાસા સામેલ છે. આ જ રીતે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી ૯ હથિયાર અને ૧૩ કાર્ટિસ પકડવામાં આવ્યા છે. દેશી દારૂના ૯૭૫ કેસ કરી ૧૧૯૧૯ લીટર દેશી દારૂ, ઈંગ્લીશ દારૂના ૭૭ કેસ કરી ૧૩૦૨૦ બોટલ, ૪૧.૯૦ લાખના વાહન તેમજ ૩,૭૨,૫૮૦નો અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત ૨૬૯૧ પરવાનાવાળા હથિયારો ચૂંટણીને ધ્યાનમાં રાખી જમા લેવામાં આવ્યા છે તો ૪૫ જેટલા નાસતા ફરતા આરોપીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આચારસંહિતા બાદ ૫૨૮૫ બિનજામીનલાયક વોરંટની બજવણી કરવામાં આવી જેમાંથી ૭૦% વોરંટ બજવી દેવાયા છે. ખાસ કરીને ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હિસ્ટ્રીશીટર, એમ.સી.આર., માથાભારે તત્ત્વો ઉપર પોલીસ બાજનજર રાખી રહી છે.