રાજકોટમાં યુનિવર્સિટી પોલીસના નાગરિક સુવિધા કેન્દ્રમાં નખત્રાણાના પ્રેમી યુગલને બ્લેડ વળે પોતાના ગળે છરકા કરી લેતા લોહીના ખાબોચિયા ભરાયા હતા અને ઘટના સ્થળે જ યુવતીનું મોત થયું હતું જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ મામલે યુવકના મોટા ભાઈએ વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,મારા ભાઈના પ્રેમ સબંધ વિષેની જાણ અમને ન હતી જો તેને આ બાબતે અમને વાત કરી હોત તો તેમને આ પગલું ભરવાનો વારો ન આવત, જ્યારે યુવતીના મૃતદહેનું પીએમ થઈ જતાં પરિવારજનો તેણીના મૃતદેહને ગામ લઇ જવા રવાના થયા હતા.
વિગતો મુજબ કચ્છના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામમાં રહેતા પૂજા રૂપાભાઈ ભદરુ (ઉ.વ.23) અને વિનોદ ગોવિંદભાઈ સતવારા (ઉ.વ.23) ગત તા.2 મેના રોજ રાત્રિના પ્રેમલગ્ન કરવા માટે ઘરેથી ભાગી છૂટ્યા હતા. જેથી પુજા ભદરુના પરિવારજનોએ આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પુજાના ગુમ થયા અંગેની જાણ પણ કરી હતી. જેથી કચ્છ પોલીસે તે અંગેની જાણ રાજ્યના તમામ પોલીસ મથકમાં કરી તેની તપાસ આદરી હતી. દરમિયાન નખત્રાણા પોલીસને પુજાનું લોકેશન રાજકોટમાં હોવાની જાણ થતાં રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પૂજા પ્રેમમંદિર પાસે આવેલ નોવા હોટલમાં હોવાનું માલૂમ પડતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ આઈ.એન.રાઠોડને જાણ કરાઈ હતી.અને આ મામલે એલસીબી ઝોન- 2 પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેની ટીમે પૂજા ભદરૂ અને વિનોદ સથવારાને રૂમ નં.302 માંથી શોધી કાઢી યુનિવર્સિટી પોલીસ મથક લવાયા હતા અને બંનેને નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડાયા હતા.

નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડી પોલીસ સ્ટાફ પોતાના કામમાં વ્યસ્ત હતો. ત્યારે બન્નેએ સુવિધા કેન્દ્રનો દરવાજો અંદરથી બંધ કરી પોતાની પાસે રહેલ બ્લેડ કાઢી ગળાના ભાગે ફેરવી અનેક ઘા મારી બંને લોહીલુહાણ થયા હતા અને બાદમાં દેકારો મચી જતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને દરવાજો તોડી યુગલને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઘટના સ્થળે જ પૂજાનું મોત નીપજ્યું હતું. અને ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનું તાકીદે ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલે દોડી આવેલા યુવકના ભાઈએ જણાવ્યું હતું કે,મારા ભાઈને પૂજા સાથે પ્રેમ સબંધ હતો તેની અમોને જાણ ન હતી અને તેઓ ઘરેથી ભાગી ગયા ત્યારે અમને જાણ થઈ હતી. જો તેને આ બાબતે વાત કરી હોત તો તેમને આ પગલું ભરવાનો વારો અમે ન આવવા દેત, જયારે બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનો પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેનું પીએમ થઈ જતાં મૃતદેહને વતન લઇ ગયા હતા.
યુગલ પર જો કોઈ પોલીસ કર્મીએ દેખરેખ રાખી હોત તો કદાચ આ ન બન્યું હોત
યુનિવર્સિટી પોલીસના નાગરિક સુવિધા કેન્દ્રમાં નખત્રાણાના પ્રેમી યુગલને પોલીસે બેસાડી ત્યારે તેના પર કોઈ પોલીસ કર્મીનું ધ્યાન જ ન હતું.પોલીસ કર્મીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે યુવકે ક્યારે સુવિધા કેન્દ્રનો દરવાજો બંધ કરી પોતાની પાસે રહેલી બેલડ વડે એક બીજાએ પોતાના ગળામાં છરક કરી લીધા તેનું પોલીસને ધ્યાનમાં જ ન આવ્યું હતું. અંદરથી દેકારો મચી જતાં અને લોહીના ખાબોચિયા દરવાજાના બહાર આવતા પોલીસને જાણ થઈ હતી. જેથી જો કોઈ કર્મીએ યુગલ પર નજર રાખી હોત તો આ ઘટના ઘટી ન હોત
