ભાજપના સભ્ય હોવા છતાં પવનસિંઘ NDA સામે જ મેદાનમાં !
બિહારના લોકપ્રિય ભોજપુરી ગાયક પવન સિંઘે ભાજપના સાથી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.નોંધનીય છે કે પવન સિંઘ ભાજપના સભ્ય છે. ભાજપે તેમને પશ્ચિમ બંગાળમાં આસનસોલની બેઠક માટે ટિકિટ આપી હતી. જોકે નામ જાહેર થયા બાદ તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હતો.
દરમિયાન બિહારની કારકાટ બેઠક ભારતીય જનતા પક્ષે તેના સાથી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચાને ફાળવી હતી અને એ પક્ષના વડા ઉપેન્દ્ર કુશવાહા ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે. એ જ બેઠક ઉપર પવન સિંઘે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ધાર જાહેર કરતાં ભારે વિવાદ થયો છે.
તેમની આ ઘોષણા બાદ કેન્દ્રીય મંત્રી અને બિહારની આરાહ બેઠકના ભાજપના ઉમેદવાર આર કે સિંહે કહ્યું હતું કે જો પવન સિંઘ પોતાનો નિર્ણય નહી ફેરવે તો તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે. બિહાર ભાજપના પ્રમુખ સમ્રાટ ચૌધરીએ પવન સિંહની સંભવિત ઉમેદવારી અંગે ટિપ્પણી કર્યા વગર જ જણાવ્યું હતું કે ઉપેન્દ્ર કુશવાહા ની ઉમેદવારીને વડાપ્રધાન મોદીએ મંજૂરીની મહોર મારી છે. કુશવાહા એનડીએ ના ઉમેદવાર છે અને ભાજપના કાર્યકરો તેમને વિજય અપાવશે.
