લોકસભાની ચુંટણી માટેના પ્રચારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતિશીલ બનાવીને ગુજરાતનાં બે દિવસના ઝંઝાવાતી પ્રચારમાં વાતાવરણ જોશિલું બનાવી દીધું હતું. ગુરુવારે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને આણંદ, સુરેન્દ્રનગર,જૂનાગઢમાં સભાઓ સંબોધીને કોંગ્રેસ સહિતના વિપક્ષ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને 3 પડકાર આપ્યા
સુરેન્દ્રનગરમાં પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની સામે ત્રણ પડકાર ફેંકીને કહ્યું હતું કે ‘કોંગ્રેસ બંધારણમાં કોઈ છેડછાડ નહીં કરે તે લેખિતમાં આપે તેમજ ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપશે નહીં. તેમજ એસટી, એસસી ,ઓબીસી નો અનામતનો અધિકાર છીનવશે નહીં. અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વોટબેન્કની રાજનીતિ કરશે નહીં.’ કોંગ્રેસ હવે હિન્દુ આસ્થામાં ભેદભાવ કરી રહી છે. રામ અને શિવ વચ્ચે ભેદ ઊભો કરે છે અને કોંગ્રેસના પ્રમુખ આવું નિવેદન કરે છે.
સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરી
વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરના લોકોને અપીલ કરતા કહ્યું હતું કે સાતમી તારીખે મતદાનના તમામ રેકોર્ડ તૂટવા જોઇએ. કોંગ્રેસના સમય દરમિયાન થયેલા કોંભાડને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ‘પહેલા 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જ્યારે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગોટાળા થયા હોય તેવી ખબર નથી આવી.’ કોંગ્રેસ પર એવો આરોપ પણ મૂક્યો હતો કે કોંગ્રેસના એજન્ડામાં એવું પણ છે કે સરકારી ટેન્ડરોમાં પણ મુસ્લિમો માટે ક્વોટા ફિક્સ કરવા માંગે છે. સરકારી કોન્ટ્રાક્ટ પણ હવે તે ધર્મના આધારે આપવા માંગે છે.