રાજવી પરિવાર અને ભાજપ પર મહેશ રાજપૂતના આકાર પ્રહાર, જાણો શું આપ્યું નિવેદન ?
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલા દ્વારા કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકના રાજવીઓએ પ્રધાનમંત્રી મોદીને સમર્થન કર્યું છે.ગુજરાતના ૪૫થી વધુ રાજવીઓએ નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે અને ક્ષત્રિય આંદોલનકારીઓને કહ્યું કે ભાજપનાં હાથ મજબૂત કરો. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે ભાજપ અને રાજવી પરિવાર પર આકરા પ્રહાર કર્યા છે.
આજે રાજકોટમાં રાજવી પેલેસમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ પંથકના રાજવીઓ એકઠા થયાં હતા, જેમાં રાજવી માંધાતાસિંહ જાડેજા, જસદણના રાજવી સત્યરાજીતકુમાર ખાચર, પાળિયાદના ભયલુબાપુ, ચોટીલા સ્ટેટ મહાવીરભાઇ ખાચર સહિતના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યાં, રાજકોટના રાજવી, કચ્છના મહારાણી, ભાવનગરના રાજવી, ગોંડલ સ્ટેટ, દાંતા સ્ટેટ, સહિતના રાજવીઓએ ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે.
ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં રાજા દ્વારા આપવામાં આવેલા નિવેદન મામલે કોંગ્રેસના નેતા અને રાજપૂત આગેવાન મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું. મહેશ રાજપુતે ભાજપ પર આકરા પ્રહાર કરીને અલગ અલગ રાજવીઓ ભાજપને મત આપવાના નિવેદનનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે કેટલાક રાજવીઓ પોતાની વારસાગત જમીન પરત લેવા અત્યારે સરકાર તરફી નિવેદન કરી રહ્યા છે. મોદી ગુજરાતમાં હતા ત્યારે સૌથી વધુ મંદિર તૂટ્યા છે. સોમનાથના મંદિરની રક્ષા માટે હમીરજી ગોહિલે બલિદાન આપ્યું હતું. રાજપુતો હંમેશા રાષ્ટ્રહિત માટે કાર્યકર્તા રહે છે.
મહેશ રાજપૂતના રૂપાલા પર આકરા પ્રહાર
મહેશ રાજપૂતે રૂપાલા પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે સાચા રાજપૂત તરીકે હંમેશા એક ભૂલને માફી આપવી જોઈએ પરંતુ પરષોતમભાઈએ અત્યારસુધીમાં કેટલીક જ્ઞાતિઓને ગાળો દઈ ચૂક્યા છે . રૂપાલાએ લેઉઆ પટેલને પણ કહ્યું કે છે કે આ તો ગોધરીયા છે આ પટેલો નથી. કોઈ જ્ઞાતિ વિશે આવું નિવેદન આપવું તે યોગ્ય છે !! જેના વિચારો સારા ન હોય તેને ક્યારેય માફી ન હોય તેવું મહેશ રાજપૂતે કહ્યું હતું.
અમિત શાહના વિડીયો બાબતે કાર્યવાહી અમારા વિડીયો બાબતે કેમ નહીં : મહેશ રાજપૂત
કોંગ્રેસના નેતા અને રાજપૂત આગેવાન મહેશ રાજપૂતે કહ્યું હતું કે અમિત શાહનાં એડિટેડ વિડીયો બાબતે કાર્યવાહી કરવામાં આવી આવી છે અમે હજાર વખત ફરિયાદો કરેલી છે છતાં પણ સરકાર કે પોલીસ કેમ પગલાં લીધા નથી.