જીએસટી કલેક્શનમાં શું બન્યો નવો રેકોર્ડ ? જુઓ
કેટલું થયું કલેક્શન ?
દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને દરેક સેક્ટરમાં વિકાસ થઈ રહ્યો છે તેવા અહેવાલોને સમર્થન મળે છે અને વિદેશી સંસ્થાઓ પણ દેશના અર્થતંત્ર વિષે હકારાત્મક આગાહીઓ કરે છે. આ હકીકતની દલીલરૂપે જીએસટી કલેક્શન એપ્રિલ, 2024માં રૂપિયા 2.10 લાખ કરોડ સાથે રેકોર્ડ ટોચે નોંધાયું હતું. જે વાર્ષિક ધોરણે 12.4 ટકા ગ્રોથ દર્શાવે છે. પાછલા ઘણા સમયથી જીએસટી કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકારની તિજોરી છલકાઈ રહી છે.
સ્થાનિક ટ્રાન્જેક્શનમાં 13.4 ટકા, આયાતોમાં 8.3 ટકાના મજબૂત ગ્રોથ સાથે જીએસટી કલેક્શન ઐતિહાસિક ટોચે નોંધાયું હોવાનું નાણા મંત્રાલયે જણાવ્યું હતું. અગાઉ ગતવર્ષે સમાનગાળામાં 1.87 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું હતું.
રિફંડની ગણતરી કર્યા બાદ નેટ જીએસટી રેવેન્યુ એપ્રિલ, 2024માં રૂ. 1.92 લાખ કરોડ નોંધાઈ છે. જે ગતવર્ષની તુલનાએ 17.1 ટકા વધી છે. જેમાં રૂ. 43846 કરોડનું સેન્ટ્રલ જીએસટી, રૂ. 53538 કરોડનું સ્ટેટ જીએસટી તથા રૂ. 99623 કરોડનું આઈજીએસટી તથા રૂ. 13260 કરોડનું સેસ સામેલ છે.
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ જીએસટી માટે રૂ. 50307 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી પાસેથી રૂ. 41600 કરોડના સેટલમેન્ટ કર્યા બાદ સેન્ટ્રલ જીએસટી બદલ રૂ. 94153 કરોડ, સ્ટેટ જીએસટી બદલ રૂ. 95138 કરોડની આવક નોંધાઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ખાતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, જીએસટી કલેક્શન 2 લાખ કરોડની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે.
