બી.એ.ડાંગર કોલેજનું પાપ છાપરે ચડીને પોકાર્યું, ગમે ત્યારે લાગશે તાળાં !
હોમિયોપેથી કાઉન્સીલ (દિલ્હી)એ કરેલા ઈન્સપેક્શનમાં ઢગલાબંધ ગેરરીતિઓ પકડાઈ
બે દિવસ સુધી ચાલેલા ચેકિંગમાં ૧૦માંથી ૮ ટીચર નકલી હોવાનો ખુલાસો: પોતાનું અસલી ઓળખપત્ર બતાવ્યું પણ ટીમને ગળે ન ઉતર્યું
મેનેજમેન્ટ કોલેજ-હોસ્પિટલ સ્ટાફનું એક વર્ષનું સેલેરી સ્ટેટમેન્ટ પણ રજૂ ન કરી શક્યું
પગાર, હાજરી સહિતનું બનાવટી હોવાનો પર્દાફાશ: કડક કાર્યવાહી કરવાનો રિપોર્ટ તૈયાર
જામનગર રોડ ઉપર આવેલી બી.એ.ડાંગર હોમિયોપેથિક કોલેજ-હોસ્પિટલમાં બધું જ કાગળ ઉપર ચાલતું હોવાનો પર્દાફાશ `વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યા બાદ દિલ્હીથી હોમિયોપેથી કાઉન્સીલ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં ઢગલાબંધ ગેરરીતિઓ પકડાઈ હોવાનું ધ્યાન પર આવ્યું છે. એકંદરે બી.એ.ડાંગર કોલેજનું પાપ છાપરે ચડીને પોકાર્યું હોય તેવી રીતે ગમે ત્યારે તાળાં લાગી જવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે.
મેડિકલ આસિસ્ટન્ટ એન્ડ રેટિંગ બોર્ડ ફોર હોમિયોપેથી (માર્ભ)ના પ્રમુખ જનાર્દન નાયરના વડપણ હેઠળ ટીમે બે દિવસ સુધી બી.એ.ડાંગર કોલેજના ખૂણા ખૂણાનું ચેકિંગ કર્યું હતું. બે દિવસ સુધી ચાલેલા ઈન્સ્પેક્શનમાં કોલેજ દ્વારા માત્ર ૧૦ ટીચર બતાવાયા હતા પરંતુ તેમાંથી ૮ નકલી હોવાનું ટીમના ધ્યાન ઉપર આવ્યું હતું. આ તમામ પાસે પોતાનું અસલી ઓળખપત્ર માંગવામાં આવતાં તે રજૂ કરી શક્યા ન્હોતા. કોલેજ મેનેજમેન્ટ પાસે તમામ સ્ટાફનું એક વર્ષનું સેલરી બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરવા કહેવાયું હતું જે પણ બે દિવસની અંદર રજૂ કરી શકાયું ન્હોતું. એકંદરે તપાસમાં હોસ્પિટલ માત્ર કાગળ ઉપર જ ચાલતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સ્ટાફનો પગાર, હાજરી સહિતના મામલે માત્રને માત્ર ચેડાં જ કરાયા હોવાનો ઘટસ્ફોટ તપાસ બાદ થયો હતો.
બે દિવસ ઈન્સ્પેક્શન કર્યા બાદ તેનો રિપોર્ટ નેશનલ કમીશન ફોર હોમિયોપેથી-નવીદિલ્હી દ્વારા બી.એ.ડાંગર કોલેજ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે એટલા માટે વધુમાં વધુ ૧૦થી ૧૫ દિવસમાં કોલેજને અલીગઢી તાળાં લગાવી દેવામાં આવશે તે વાત નિશ્ચિત છે.
૧ એપ્રિલે બે ટીમ દિલ્હીથી આવી’તી, અર્પિત કોલેજમાં ચેકિંગ કરાતાં વાત `લીક’ થઈ…
જાણવા મળ્યા પ્રમાણે ૧ એપ્રિલે જ દિલ્હીથી બે ટીમ રાજકોટની બી.એ.ડાંગર કોલેજ અને મોરબી રોડ પર આવેલી અર્પિત કોલેજમાં ચેકિંગ કરવા માટે આવી હતી. અર્પિત કોલેજમાં ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ તે અંગેની જાણ ડાંગર કોલેજને થઈ જતાં એ સમયે ડાંગર કોલેજમાં ચેકિંગ કરવાનું ટાળી દેવાયું હતું અને સોમવારે અચાનક જ ટીમ રાજકોટ ધસી આવી હતી અને અચાનક જ ડાંગર કોલેજમાં દરોડો પાડી સૌને ઉંઘતાં દબોચી લીધા હતા. અગાઉ અહીં ઓનલાઈન ઈન્સપેક્શન કરાયું ત્યારે ડાંગર કોલેજ દ્વારા ૧૪ ડૉક્ટરો બતાવાયા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.
અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં સ્થળાંતરિત કરાશે
બી.એ.ડાંગર કોલેજને ગમે ત્યારે તાળાં લાગી જવાની શક્યતાને પગલે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલા માટે કાઉન્સીલ દ્વારા અહીં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં સ્થળાંતરિત કરવામાં આવશે.
`વોઈસ ઓફ ડે’ની ઝુંબેશ રંગ લાવી
બી.એ.ડાંગર કોલેજમાં એક નહીં બલ્કે અનેક ગેરરીતિઓ ચાલી રહ્યાના એક પછી એક અહેવાલની ઝુંબેશ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી હતી જે રંગ લાવી હોય અને અહીં પીડાઈ રહેલાં વિદ્યાર્થીઓના અવાજની જીત થઈ હોય તેમ ગમે ત્યારે કોલેજને તાળાં લાગી જવાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે.
ટ્રસ્ટી જનક મેતાનો લૂલો બચાવ: પૂર્વ પ્રિન્સીપાલનું બદનામ કરવાનું કાવતરું છે
દરમિયાન બી.એ.ડાંગર કોલેજના ટ્રસ્ટી જનક મેતાએ એવો લૂલો બચાવ કર્યો હતો કે કોલેજમાં કોઈ પ્રકારની ગેરરીતિ પકડાઈ નથી. દર વર્ષે જે પ્રમાણે ઈન્સ્પેક્શન આવે છે તેવું જ આ વખતે આવ્યું છે. જો કે ત્રણ વર્ષ પહેલાં હાકી કઢાયેલા પૂર્વ પ્રિન્સીપાલ મિશ્રા દ્વારા અમને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. જો કે તેમણે મિશ્રા વિરુદ્ધ કોર્ટનું શરણું લેવાનો પણ ઈનકાર કર્યો હતો.