કોટક મહિન્દ્રા બેન્ક સામે નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ
રિઝર્વ બેન્કની આકરી કાર્યવાહી, ઓનલાઈન ગ્રાહકો પણ જોડી નહીં શકે : વહીવટ અને નિયમ પાલનમાં ખામીઓ હોવાનો આરોપ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંક સામે બુધવારે મોટી કાર્યવાહી કરી હતી. આરબીઆઈએ બેંકને ઓનલાઈન અથવા મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, નિયમનકારે કહ્યું છે કે તે ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના વર્તમાન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખી શકે છે.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, કોટક મહિન્દ્રા બેંકના આઇટી જોખમ સંચાલન અને માહિતી સુરક્ષા વહીવટમાં ખામીઓ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આરબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે વર્ષ 2022 અને 2023 દરમિયાન રેગ્યુલેટર દ્વારા બેંકના આઈટી ઓડિટમાં જોવા મળેલી ખામીઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. નિયમનકારે જણાવ્યું હતું કે કોટક બેંક વ્યાપક અને સમયસર પરીક્ષણ પછી ઉદ્ભવતી નોંધપાત્ર ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહી છે.
આરબીઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેંકના આઈટી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીક અટકાવવા માટેની વ્યૂહરચના ઉણપ જોવા મળી હતી.