સુરતમાં કોંગ્રેસ મુક્ત ચૂંટણી
સુરતના કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીનું ફોર્મ રદ
મતદાન પહેલાં જ ભાજપનો વિજય નિશ્ચિત
ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ:નામાંકન પત્રમાં સમર્થક તરીકે સહી કરનાર ટેકેદારો ફરી ગયા.સુરતમાં હાઈ વોલતેજ ડ્રામા:ટેકેદારો હાજર ન થયા:અપહરણ થયું હોવાનો કુંભાણીનો આક્ષેપ.
કુંભાણી પોતે જ ફૂટી ગયા હોવાનો કોંગ્રેસના કેટલાક નેતાઓનો આક્ષેપ.
સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડશાળાના નામાંકન પત્રોમાં સમર્થક તરીકે સહી કરનારા ચાર ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું સોગંદનામુ કર્યા બાદ ચાલેલા હાઇ વોલ્ટેજ ડ્રામા ના અંતે ચૂંટણી અધિકારીએ બન્ને ફોર્મ રદ કર્યા હતા.ઉમેદવારના ટેકેદારો ફરી ગયા હોવાને કારણે ફોર્મ રદ થયું હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારોના અપહરણ થયા હોવાની ફરિયાદ કરી હતી.બીજી તરફ કુંભાણી પોતે જ ફૂટી ગયા હોવાનો કોંગ્રેસના કેટલાક નેતાઓએ ખુલ્લો આક્ષેપ કરતાં ભારે સનસનાટી મચી જવા પામી છે.ફોર્મ રદ કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાની કોંગ્રેસે જાહેરાત કરી હતી અને આ આખો ઘટના ક્રમ ભાજપનું ષડયંત્ર હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
સુરતની બેઠક પર ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું.તેમના નામાંકન પત્રોમાં રમેશ બાવચંદ પોલરા,જગદીશ નાનજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધમેલિયાએ સમર્થકો તરીકે સહીઓ કરી હતી.દરમિયાન ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ આ તમામ સમર્થકોએ જિલ્લા કલેકટર સમક્ષ ઉપસ્થિત થઈને નામાંકન પત્રમાં પોતે સહી ન કરી હોવાનું સોગંદનામા રજૂ કર્યા હતા.બાદમાં ભાજપના ચૂંટણી એજન્ટે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરવાની માંગણી કરતા ચૂંટણી અધિકારી દ્વારા નીલેશ કુંભણીને બપોરે ચાર વાગ્યા સુધીમાં સ્પષ્ટતા કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.નિલેશ કુંભાણી એ પોતાના ટેકેદારોને હાજર કરવાની તૈયારી દાખવતા એ અંગેની સુનાવણી રવિવારે સવારે નવ વાગ્યે રાખવામાં આવી હતી.જો કે એક પણ ટેકેદાર હાજર ન થતાં બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવાર સુરેશ પડશાળના ફોર્મ રદ કરતો ચુકાદો આપ્યો હતો.આ ચુકાદાને પગલે સુરતમાં પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં નહીં હોય.મતદાન પહેલા જ સુરતની બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત બની ગયો છે.
બનેવી,ભાણેજ અને ભાગીદાર જ ફરી ગયા!
ફોર્મ માં સહી ન કરી હોવાનું સોગંદનામુ કરનાર તમામ ટેકેદારો નીલેશ કુંભાણીના નજીકના સગા સબંધી છે. જગદીશ સાવલિયા તેમના સગા બનેવી છે. ધ્રુવિન તેમનો ભાણેજ અને રમેશ પોલરા તેમના ધંધાકીય ભાગીદાર છે.ડમી ઉમેદવારના ટેકેદાર વિશાળ કોરડીયા પણ નિલેશ કુંભાણીના સબંધી હોવાનું ખૂલ્યું છે. આવા આપ્તજનો પણ ફરી જતાં ભારે આશ્ચર્ય સાથે અનેક ભેદ ભરમ સર્જાયા છે.
કુંભાણીએ જ ખેલ પડ્યોહોવાનો આક્ષેપ: કુંભાણી ગદ્દાર ના નારા લાગ્યા
એક તરફ સુરત કલેકટર સમક્ષ સુનાવણી ચાલુ હતી અને કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકિયા આ ઘટનાક્રમને ભાજપનું ષડયંત્ર ઠરાવવાની કોશિશ કરતા હતા ત્યારે જ કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાળાએ નિલેશ કુંભાણી પોતે જ ફૂટી ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો.કોંગ્રેસના અન્ય એક નેતા પવન તોગડિયાએ પણ એ કુંભાણી વેંચાઈ ગયા હોવાનો દાવો કર્યો હતો.કુંભાણીનું ફોર્મ રદ થશે એવી ચેતવણી તેમણે કુંભાણીનું ઉમેદવાર તરીકે નામ નક્કી થયું ત્યારે જ પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ ને જાણ કરી હોવાનો તેમણે દાવો કર્યો હતો.સુરત કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કુંભની ગદ્દાર ના નારા લગાવવામાં આવ્યા હતા.
અપહરણ થયા હોવાનો આક્ષેપ:કોંગ્રેસ હાઇકોર્ટના શરણે
નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારોના અપહરણ કરાયા હોવાનો આક્ષેપ કર્યો હતો.કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગુકિયા ના જણાવ્યા અનુસાર આ ટેકેદારોના અપહરણ કરાયા હોવાની શનિવારે પોલીસ કમિશનર તથા કલેકટરને લેખિત જાણ કરી હોવાનો અને છતાં તંત્ર એ કોઈ પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના પ્રવકતા નૈષધ દેસાઈએ ચૂંટણી પંચ ભાજપના ઇશારે નાચતું હોવાનો આક્ષેપ કર્યો હતો.કોંગ્રેસ હાઈકોર્ટમાં પિટિશન ન કરી શકે એટલે ઇરાદાપૂર્વક ચુકાદો આપવામાં વિલંબ કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
અમારે કાંઈ લાગતું વળગતું નથી:ભાજપ
ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડિયાના જણાવ્યા અનુસાર શનિવારે ઉમેદવાર ચકાસણીની કાર્યવાહી ચાલુ હતું ત્યારે જ કોંગ્રેસના ચારેય ટેકેદારોએ રૂબરૂ ઉપસ્થિત થઈ સોગંદનામુ કર્યું હોવાનું અને તેની વિડિયોગ્રાફી થઈ હોવાનું જણાવ્યું હતું.આ ઘટનામાં ભાજપની કોઈ ભૂમિકા ન હોવાનો તેમણે દાવો કર્યો હતો.બીજી તરફ એ સોગંદનામા પ્રમાણિત કરનાર નોટરી ભાજપના સક્રિય સભ્ય હોવાનું ખૂલ્યું છે.
સહીઓ માં વિસંગતત્તા
ચૂંટણી અધિકારીએ ચુકાદામાં જણાવ્યા અનુસાર રમેશ પોલરાએ ભૂતકાળમાં કરેલા વેચાણ દસ્તાવેજ માં કરેલી સહી અને ઉમેદવારી ફોર્મમાં કરેલી સહીમાં વિસંગતત્તા હતી.એ જ રીતે જગદીશ સાવલિયા ના ડ્રાઇવિંગ લાઇસન્સ અને ધ્રુવિન ધમેલિયાના પાન કાર્ડની સહીઓ અને ઉમેદવારી પત્રમાં કરેલી સહીમાં વિસંગતતા હતી.