ઇરાને કોનું જહાજ કબજે કર્યું ? વાંચો
કેટલા ભારતીયો છે તેમાં ?
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે ત્યારે યુધ્ધ ફાટી પડે તેવી સ્થિતિ વચ્ચે શનિવારે ઈરાનની સેનાએ મુંબઈ તરફ આવી રહેલ ઇઝરાયલના કાર્ગો શીપ પર કબજો કરી લેતાં ભારે તંગદિલી સર્જાઇ હતી અને કેન્દ્રનું વિદેશ મંત્રાલય તરત જ એક્શનમાં આવી ગયું હતું.
યુએઇના તટ પાસે ઈરાનની સેનાએ આ જહાજ પર કબજો કરીને ઈરાનની સીમાની અંદર લઈ જવાયું હતું અને તેમાં 17 ભારતીયો પણ સવાર છે. આ બધાના રેસ્ક્યૂ માટે વિદેશ મંત્રાલયે ઈરાન સરકાર સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. ભારતીયોને સલામત મુક્ત કરાવવા માટે વાટાઘાટ શરૂ થઈ ગઈ હતી.
દરમિયાનમાં ઇઝરાયલના સત્તાધીશોએ એમ કહ્યું હતું કે આ હરકતના પરિણામ ઇરાને ભોગવવા પડશે. આ શિપમાં ચાલક દળના અન્ય સભ્યોમાં 4 પેલેસ્ટાઇનના અને 2 પાકિસ્તાની નાગરિકો તથા રશિયાના નાગરિકો પણ છે.
ઇઝરાયલની સત્તાવાર સમાચાર સંસ્થાએ પણ એમ જાહેર કર્યું હતું કે જહાજનું અપહરણ થયું છે અને ઈરાનની સીમામાં લઈ જવાયું છે. આ ઘટનાથી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આ જહાજ ઇઝરાયલના એક અબજોપતિ બિઝનેસમેનનું છે.
