શુક્રવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા તૈયારીઓનો ધમધમાટ : ઉમેવારો માટે કલેકટર કચેરીની આગળના ગેઇટથી એન્ટ્રી
લોકસભા ચૂંટણી અંતર્ગત આગામી તા 12ને શુક્રવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે જેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. બીજી તરફ ગઈકાલે ચૂંટણી પંચે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી રાજકોટ જિલ્લાની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
રાજકોટ જિલ્લામાં આગામી તા. ૧૨ના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થનાર છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૯/૦૪ના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪ના રોજ હાથ ધરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.૨૨/૦૪ છે. તેમજ મતદાનની તા.૦૭/૦૫ અને મતદાનની મત ગણતરી તા.૦૪/૦૬ના રોજ કરવામાં આવશે.
ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રાપ્ત સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબકકે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જરૂર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના ચાર અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. એટલે કે કોઈપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણીઅધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં. ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહી.
ઉલ્લેખનીય છે કે, કલેકટર કચેરીના બે મુખ્ય ગેઇટ છે જે બન્ને જામટાવર વાળા રોડ ઉપર આવેલ છે. આ ગેઇટ વર્ષોથી ટ્રાફિકની સરળતા માટે બંધ રાખવામાં આવ્યા છે. વાહનોનો પ્રવેશ કચેરીની પાછળના ગેઇટથી જ આપવામાં આવે છે. પરંતુ લોકસભા ચૂંટણી લડત ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પ્રથમવાર મુખ્ય ગેઇટ ખોલવામાં આવશે. ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે આ ગેઇટથી કચેરીમાં પ્રવેશ મેળવી શકશે.
