ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ વ્યથા વ્યક્ત કરી…વાંચો
ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ તાજેતરમાં એક અખબાર સાથેની વાતચીતમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવિસે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારના ભ્રષ્ટાચારોનો પર્દાફાશ કરવાની મને સૂચના આપી હતી પણ ત્યારબાદ ભાજપે શિવસેના સાથે જ ગઠબંધન કરી લેતા મારી હાલત કફોડી થઈ ગઈ હતી.
તેમણે કહ્યું કે 2017 ની બ્રૂહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બીએમસીના કોન્ટ્રાક્ટરો અને ઠાકરે પરિવારના સભ્યો વચ્ચેની ભ્રષ્ટ સાંઠગાંઠની તપાસ કરી તેનો પર્દાફાશ કરવા મને જણાવ્યું હતું. જોકે સોમૈયા એ મામલે બહુ ઉત્સુક નહોતા પરંતુ ફડણવિસે પાર્ટીનો આદેશ હોવાનું જણાવતાં તેમણે એ દિશામાં કામગીરી શરૂ કરી અને અનેક કૌભાંડો ઉજાગર કર્યા હતા.
દરમિયાન 2019 ની લોકસભાની ચૂંટણી સમયે ચિત્ર પલટાઈ ગયું હતું. ઠાકરેને ટાર્ગેટ ન કરવા ફડણવિસે નવી સૂચના આપી હતી. બાદમાં દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં યોજાયેલ ઠાકરે સાથેની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવા પણ કિરીટ સોમૈયાને સૂચના આપવામાં આવી હતી.જો કે તેમની ઉપસ્થિતિને કારણે ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં આવવાનો ઇનકારી કરી દેતાં ભાજપે કિરીટ સોમૈયાને જ પ્રેસ કોન્ફરન્સ નું સ્થળ છોડી જવા માટે જણાવ્યું હતું.
કિરીટ સોમૈયાએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે કૌભાંડો ખુલ્લા પાડવા પાછળ મારો કોઈ વ્યક્તિગત એજન્ડા નહોતો. હું તો પક્ષની સૂચના ને અનુસરતો હતો પરંતુ બાદમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધન થયું અને મને હાસ્યસ્પદ સ્થિતિમાં મૂકી દેવાયો
શરદ પવારની પ્રશંસા કરી
સોમૈયાએ કહ્યું કે તેઓ છગન ભુજબળની બેનામી મિલકતોની તપાસ કરવા જવાના હતા ત્યારે ભુજબળના ગુંડાઓ તેમની ઉપર હુમલો કરવાના હતા પરંતુ શરદ પવારે તેમનું રક્ષણ કર્યું હતું. તેનાથી ઊલટું શિવસેનાના ગુંડાઓએ અને એક વખત કિરીટ સોમૈયા ઉપર હુમલો કર્યો હતો.