ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છેલ્લી ઘડીએ રદ્દ
રૂપાલા ફોર્મ ભરે પછી આગળની રણનીતિ ઘડવા નિર્ણય
કેન્દ્રીય મંત્રી-રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ઘટવાનું નામ લઈ રહ્યો નથી. બીજી બાજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ્દ થાય તેની માંગ પર અડગ છે અને આ માટે રણનીતિ ઘડવા માટે સમાજનું ૬ અથવા ૭ એપ્રિલે મહા સંમેલન મળવાનું હતું. જો કે આ સંમેલન છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ ક્ષત્રિય અગ્રણી પી.ટી.જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સંમેલન રદ્દ કરાયાની જાણકારી તેમની પાસે આવી છે. આ ઉપરાંત રાજકોટ બેઠક ઉપર પુરુષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવે ત્યારબાદ આ સંમેલન બોલાવીને તેમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે. બીજી બાજુ અચાનક જ સંમેલન રદ્દ કરી દેવામાં આવતાં તરેહ-તરેહની ચર્ચાઓએ પણ જોર પકડી લીધું હતું.
પદ્મીનીબા વાળાએ રૂપાલાને મત ન આપતી પત્રિકા વહેંચી
કરણી સેનાના મહિલા પ્રમુખ પદ્મીનીબાએ રૂપાલા સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. તેમણે રાજકોટના રેલનગર સહિતના વિસ્તારમાં ફરીને લોકોને રૂપાલાને મત નહીં આપવાની અપીલ કરી હતી સાથે સાથે પત્રિકા પણ વહેંચી હતી. તેઓએ દરેક વિસ્તારમાં લોકોને રૂબરૂ બળીને આ અપીલ કરી હતી. જ્યારે દિવાલો ઉપર બોયકોટ રૂપાલાના પોસ્ટર ચોંટાડ્યા હતા.