ન બરફ-ન ચાસણી…માત્ર ફ્રૂટ જ્યુસથી તૈયાર થતો `ગોલો’
તમને કોઈ ગોલો ખાધો કે ગોલો પીધો એમ પૂછો તો કહેજો, બન્ને કર્યું…!!
૯૦ સેક્નડની અંદર ગોલાની ડિશ રેડી થઈ જશે’ને ૧૦ મિનિટમાં ખવાઈ પણ જશે…!
ઓરેન્જ, મોસંબી, દ્રાક્ષ, ડે્રગન, દાડમ, તરબૂચ સહિતના જ્યુસ આપતાં ફ્રૂટસમાંથી જ ગોલો બને છે

ઉનાળાની ગરમાગરમ સીઝન શરૂ થઈ ચૂકી છે. આમ તો હોળીના પર્વ બાદ ધરતી `ગરમ’ થવાનું શરૂ કરતી હોય છે પરંતુ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન ૩૬+ ડિગ્રીને પાર કરી રહ્યું છે ત્યારે ઓરિજિનલ ઉનાળો શરૂ થશે ત્યારે હાલત કેવી થશે તેની તો કલ્પના જ કરવી ઘટે ! જે પ્રમાણે ગરમી પડી રહી છે તેને જોતાં લોકો ગરમીની સીઝનમાં શું ખાવું અને શું ન ખાવું તેની ગણતરી માંડવામાં વ્યસ્ત બની ગયા છે. હવે ગરમીની વાત આવે એટલે ગોલો કેવી રીતે ભૂલી શકાય ? શહેરમાં તો અત્યારથી જ અલગ-અલગ પ્રકારના અને જોતાંવેંત તેમજ બની રહ્યા હોય ત્યારે જ મોઢામાં પાણી આવી જાય તેવા ગોલા વેચાવાનું શરૂ થઈ ચૂક્યું છે. આમ તો અત્યાર સુધીમાં તમે બરફથી બનેલા ગોળાનો સ્વાદ માણ્યો જ હશે અને જો ન માણ્યો હોય તો પછી ઉનાળામાં ધરાઈને ખાવાના જ હશો ત્યારે આ વખતના ઉનાળામાં એક એવો ગોલો પણ ટ્રાય કરજો જેને બનાવવા માટે ન તો બરફ કે ન તો ચાસણીનો ઉપયોગ કરાયો, માત્રને માત્ર આ ગોલાને ફ્રૂટ જ્યુસથી જ તૈયાર કરવામાં આવી રહ્યો છે !

હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉઠ્યા વગર રહેશે જ નહીં કે બરફ કે ચાસણી વગર તૈયાર ન થયો હોય તો પછી તેને ગોલો કેવી રીતે કહેવાશે ત્યારે આ જ તો ફ્રૂટ જ્યુસથી બનેલા ગોલાની ખાસિયત છે ! આ ગોલો ખાસ કોરિયાથી મંગાવેલા મશીનમાં તૈયાર કરવામાં આવે છે અને જાણીને તમને આશ્ચર્ય થશે કે ફ્રૂટનો ગોલો માત્ર ૯૦ સેક્નડની અંદર જ તૈયાર થઈ જાય છે સાથે સાથે ૧૦ મિનિટમાં તે ખવાઈ પણ જાય છે ! આ ગોલામાં કોઈ પ્રકારની ખાંડ કે ગળ્યો પદાર્થ ભેળવવામાં આવતો નથી અને તેમાં બરફ નથી વપરાતો કેમ કે તેને બનાવનાર રિદ્ધિ સિદ્ધિ ગૃહ ઉદ્યોગના લવજીભાઈનું માનવું છે કે બરફ એ ખાદ્ય પદાર્થ નથી અને ખાંડ એ ધીમું ઝેર છે ! એટલા માટે જ આ બન્ને પદાર્થ વગર ગોલો તૈયાર કરવામાં આવી રહ્યો છે.
લવજીભાઈએ છાતી ઠોકીને દાવો કર્યો કે રાજકોટમાં મારા સિવાય આ પ્રકારનો ગોલો બીજું કોઈ નથી બનાવતું…હવે બીજું કોઈ બનાવતું હોય કે ન બનાવતું હોય તે વાત કદાચ તેઓ જ જાણતા હશે પરંતુ મહત્ત્વનું એ છે કે આ પ્રકારનો નવતર ગોલો ખાવાને કારણે તમને ફાયદો જરૂર મળશે, મળશે અને મળશે જ…! ખાસ કરીને ફ્રૂટ જ્યુસના શોખીનોને તો આ પ્રકારનો ગોલો ખાવાથી મજો મજો પડી જવાનો છે. વળી, આ પ્રકારના ગોલાની એક ડિશ બે લોકો આરામથી ખાઈ શકે છે.
અત્યારે આ ગોલો ઓરેન્જ, મોસંબી, દ્રાક્ષ, ડે્રગન, દાડમ, તરબૂચ, શેરડી સહિતના રસ આપતા ફ્રૂટસમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેની કિંમત એક ડિશના ૧૫૦ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
અરે વાહ ! એક વખત ફ્રૂટને હાથ લગાડી દીધા બાદ બીજી વખત લગાડ્યા વગર જ તૈયાર થાય છે ગોલો
લવજીભાઈએ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ વેપારી ગોલો બનાવે એટલે બરફના ગોળાને ગોળાકાર બનાવવા માટે વારંવાર હાથ લગાડે છે પરંતુ અમે એવું નથી કરતા. અમે માત્રને માત્ર એક વખત ફ્રૂટને જ્યુસ બનાવવા માટે હાથ લગાડીયે છીએ. જો કે તેના પહેલાં સફાઈનું પૂરતું ધ્યાન રાખીયે છીએ અને ફ્રૂટસ મશીનમાં નાખ્યા બાદ બીજી વખત હાથ લગાડતાં જ નથી જેથી કરીને ગોલાની હાઈજેનિક કંડીશન જળવાઈ રહે…
આ ગોલાનો સ્વાદ ક્યાં માણી શકશો ?
ફ્રૂટ જ્યુસ ગોલાનો સ્વાદ માણવા માટે તમારે ક્યાંય દૂર જવાની જરૂર નથી. આ ડીશ તમને કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલની બાજુની શેરીમાં શાંતિનિકેતન સોસાયટી, સિધ્ધિવિનાયક મંદિરની બાજુમાં રિદ્ધિ સિદ્ધિ ગૃહ ઉદ્યોગમાં મળી શકશે. ત્યાં અલગ-અલગ પ્રકારના ફ્રૂટસ હોય છે તેમાંથી જે ફ્રૂટનો કહેશો તેનો જ્યુસ મારફતે ગોલો ૯૦ સેક્નડની અંદર તૈયાર થઈને તમને પીરસાઈ જશે !
ફ્રૂટ પણ પોતાના જ ફાર્મ હાઉસનું વાપરવાનું
લવજીભાઈએ જણાવ્યું કે ગોલો બનાવવા માટે જે ફ્રૂટસનો ઉપયોગ કરવામાં આવે છે તે બજારમાંથી ખરીદ કરવામાં આવતું નથી. તમામ પ્રકારનું ફ્રૂટ જેમાં સંતરા, મોસંબી, દ્રાક્ષ, દાડમ, તરબૂચ, શેરડી સહિતના ફ્રૂટ પોતાના જ ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવે છે અને જેવા તે ખાવાલાયક થઈ જાય એટલે તેમાંથી જ્યુસ તૈયાર કરવામાં આવે છે. જ્યુસ બનાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવામાં આવે છે કે તેમાં ખાંડ સહિતની કોઈ પ્રકારનું મિશ્રણ કરવામાં આવતું નથી મતલબ કે એકદમ કુદરતી પ્રકારે જ જ્યુસ તૈયાર કરીને ગોલો બનાવવામાં આવી રહ્યો છે. જે ખાધા બાદ અલગ જ અનુભવ થશે.
બરફ નથી વપરાતો તો ગોલો કેવી રીતે કહેવાશે ?
ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે બરફ નથી વપરાતો તો પછી ગોલો કહેવો કેવી રીતે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં લવજીભાઈ `વોઈસ ઓફ ડે’ને જણાવે છે કે કોરિયાથી જે મશીન મંગાવાયું છે તેમાં તૈયાર થતો આ ગોલા માટે જ્યુસ વપરાય છે. આ મશીનમાં ઉપરથી જ્યુસ નાખવામાં આવે છે જે આપોઆપ એક કપમાં પીસ સ્વરૂપે બહાર નીકળે છે મતલબ કે જ્યુસને બરફ જેવું બનાવવાનું કામ મશીનની અંદર જ થઈ જાય છે અને જેવું તે કપમાં પીરસાશે એટલે લોકોને પોતે ગોલો જ ખાઈ રહ્યા છે તેવી ફિલિંગ આવશે…!
બરફ ખાદ્યપદાર્થ નથી-ખાંડ ધીમું ઝેર છે, એટલે જ અમે આ નવતર ગોલો શરૂ કર્યો
લવજીભાઈએ જણાવ્યું કે ગોલામાં બરફનો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ઠીક નથી. ખાસ કરીને બરફ ખાદ્યપદાર્થ છે જ નહીં એ વાત એક નહીં અનેક વખત કહેવાઈ ચૂકી છે છતાં લોકો બરફ વગરનો ગોલો ખાતાં નથી. આ ઉપરાંત ખાંડ પણ ધીમા ઝેરનું કામ કરે છે કેમ કે બરફ ગોલા ઉપર નખાતી ચાસણી ખાંડ તેમજ સેક્રીનથી બનેલી હોવાથી તેના કારણે ગળા પકડાઈ જવા સહિતની સમસ્યા ઉદ્ભવતી હોવાને કારણે અમે ખાંડ-બરફ વગરનો જ ગોલો તૈયાર કરવાનો આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે જે ધીમે ધીમે લોકોમાં ફેવરિટ બની રહ્યો છે.