ફૂટપાથ રહેતા 150 નિસહાય વૃદ્ધોની “માતૃવાત્સલ્ય” ભાવે સેવા કરતા શ્વેતા શાહ
જેણે પોતાના માં-બાપ નથી જોયા તે મહિલા નિસહાય વૃદ્ધો માટે બનાવે છે સ્વાદિષ્ટ ભોજન
જીવનના તમામ ઉતાર-ચઢાવ બાદ હવે જીવનને લોકસેવામાં સમર્પિત કરતા શ્વેતા શાહ

વડોદરાની શ્વેતા શાહના જીવન સંઘર્ષની કહાની અનેકને પ્રેરણા આપે તેવી છે. શ્વેતા શાહે પોતાના માં-બાપ નથી જોયા, તે આજે ફૂટપાથ પર રહેવા મજબૂર 150 જેટલા નિસહાય વૃદ્ધોની માતૃવાત્સલ્ય ભાવે સેવા કરીને અનોખું ઉદાહરણ પુરૂ પાડી રહી છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા શ્વેતા શાહ સમજણા થયા ત્યારથી સરકારી હોસ્ટેલમાં રહ્યા, સરકારી શાળામાં ભણ્યા છે. તેમણે મજબુરીવશ ફુટપાથ પર પણ દિવસો વિતાવ્યા છે.
શ્વેતા શાહ જણાવે છે કે, હું જ્યારે સમજણી થઇ ત્યારે સરકારી હોસ્ટેલમાં હતી. કુટુંબમાં એક કાકાનો ટુંકો પરિચય હતો, પરંતુ છેલ્લે તેમને ક્યારે મળી તે હવે યાદ નથી. હંમેશા કોઇ મહિલાને તેના માં-બાપ સાથે કૌટુંબિક પ્રેમ વહેંચતા જોઉં તો આંખો ઉભરાઇ આવતી હતી. જીવનમાં કપરા ચઢાણ એવા પણ આવ્યા કે, અઠવાડિયા સુધી ફૂટપાથ પર સુઇને દિવસો કાઢવા પડ્યા હતા. જ્યારે કપરા દિવસો ચાલતા હતા તેવામાં કોઇક રીતે શ્રવણ સેવા ફાઉન્ડેશનના નિરવ ઠક્કર વિશે જાણ્યું. તેમનો સંપર્ક કરતા તેમણે મને શ્રવણ સેવા ફાઉન્ડેશન થકી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસહાય વૃદ્ધો માટેના સેવાયજ્ઞમાં જોડી દીધી હતી. જેના માટે હું તેમનો આભાર માનું તેટલો ઓછો છે.
શ્વેતા શાહ જણાવે છે કે, આજે હું રોજ દોઢસો જેટલા જરૂરીયાતમંદ લોકોની ભોજનસેવાનું સંચાલન કરૂં છું. તેમને નિયમીત સમયસર સ્વાદિષ્ટ ભોજન મળી રહે, તેમની કોઇ સમસ્યા હોય તેનું જલ્દી સમાધાન આવે તેવા મારા રોજના પ્રયાસ રહે છે. રોજ સવારે ઉઠીને પહેલો વિચાર આવે કે, આજે નિસહાય વૃદ્ધોનું જીવન કેવી રીતે બહેતર કરીશ. આ સાથે જ હું શ્રવણ સેવા ફાઉન્ડેશ દ્વારા પ્રેરીત મહિલાઓ માટેના પેડ સેફ કાર્યક્રમની પણ દેખરેખ રાખું છું. જે અંતર્ગત દર મહિને ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર કામ કરતી 55 મહિલાઓને મહત્તમ જરૂરિયાત મુજબના સેનેટરી પેડ્સ દર મહિનાના પ્રથમ સપ્તાહમાં પુરા પાડવામાં આવે છે. અને તેઓને માસિક દરમિયાન સુરક્ષીત વિકલ્પ પહોંચાડવામાં આવે છે.
હું નિસહાય વૃદ્ધોમાં જ મારા માં-બાપના દર્શન કરી લઉં છું: શ્વેતા શાહ
શ્વેતા શાહ જણાવે છે કે, હું જ્યારે શાળામાં ભણતી ત્યારે અન્યને તેમના માં-બાપ મળવા આવતા હતા. ત્યારથી લઇને આજદિન સુધી હું તેવા વિચારોમાં રહેતી કે, મારા માં-બાપ ક્યાં હશે, કેવા હશે, મારાથી દુર તેમને કેવું લાગતું હશે, તેઓ મને યાદ નહિ કરતા હોય. લાંબા સમય સુધી આ સવાલો મારા જીવનનો હિસ્સો રહ્યા હતા. હવે શ્રવણ સેવા ફાઉન્ડેશનમાં જોડાઇને જરૂરિયાતમંદ નિસહાય વૃદ્ધોમાં જ મારા માં-બાપના દર્શન કરી લઉં છું. અને હું મારા ખરા માં-બાપની સેવા કરતી હોઉં તે રીતે જ સેવાકાર્ય કરું છું.
15 દિવસે જ મેન્યુ રીપીટ થાય, સમાયંતરે ફરસાણ અને મિઠાઇ પણ પીરસાય છે
ત્રણ વર્ષથી નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડવામાં શ્વેતાબેન મેન્યુને લઇને ખાસ ધ્યાન રાખે છે. એક શાક 15 દિવસે જ રીપીટ થાય તેવું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ દર ત્રણ દિવસે મીઠાઇ અને ફરસાણ પણ નિસહાય વૃદ્ધોને મળી રહે તે માટે પણ તેઓ ધ્યાન રાખે છે. શ્વેતાબેન તેમના માં-બાપની જેમ જ નિસહાય વૃદ્ધોની સેવા કરી રહ્યા છે. જે આજના સમયમાં જવલ્લેજ જોવા મળે તેવું છે.
