એક પડકાર અનેક: હાર્દિક સહિત ૩ કેપ્ટનની અગ્નિપરીક્ષા
શુભમન ગીલ પહેલી વખત કરશે કેપ્ટનશિપ: કમીન્સ પર ટીમને તળિયાથી ટોચ પર લઈ જવાનું દબાણ
ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચેની મેચથી આવતીકાલથી આઈપીએલ શરૂ થઈ રહી છે. આ સીઝનમાં ત્રણ ટીમોના કેપ્ટન પર સૌની નજર રહેશે જેમાં હાર્દિક પંડ્યા તેમજ પેટ કમીન્સ અને શુભમન ગીલ સામેલ છે. હાર્દિકને લઈને અત્યારે ઘણી બબાલ ચાલી રહી છે. હાર્દિક તેની જૂની ટીમ મુંબઈમાં પરત ફરી ગયો છે અને તેની આગેવાનીમાં જ ટીમ મેદાને ઉતરશે. અત્યારે કોઈ પણ વસ્તુ હાર્દિકના પક્ષમાં નથી ત્યારે આઈપીએલમાં તે આટલા દબાણ સાથે કેવી રીતે રમશે અને કેપ્ટનશિપ કરશે તે જોવું રસપ્રદ રહેશે. આ જ રીતે ગુજરાત ટાઈટન્સના સ્ટાર ઓપનર શુભમન ગીલને હાર્દિકના ગયા બાદ ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે.
૨૩ વર્ષીય ગીલ પહેલી વખત આઈપીએલમાં કેપ્ટનશિપ કરશે. પહેલી સીઝનમાં હાર્દિકે ટીમને ચેમ્પિયન તો બીજી ટીમમાં રનર્સ અપ બનાવી હતી. હવે એવું જ પ્રદર્શન શુભમન ગીલની આગેવાનીમાં થાય તેવું ગુજરાતના ચાહકો ઈચ્છી રહ્યા છે. ઓસ્ટે્રલિયાનો સફળ કેપ્ટન પેટ કમીન્સ પણ આઈપીએલમાં કેપ્ટનશિપ કરવાનો છે. કમીન્સને હૈદરાબાદે ટીમની જવાબદારી સોંપી છે. પાછલી અમુક સીઝનથી આઈપીએલમાં હૈદરાબાદનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે અને છેલ્લી ત્રણ સીઝનમાં કમીન્સ હૈદરાબાદ ટીમનો ત્રીજો કેપ્ટન છે ત્યારે હવે જોવું રસપ્રદ રહેશે કે તે ટીમને કેવી રીતે મજબૂત બનાવે છે.