રાજકોટમાં ૪ બ્રિજ માટે ૧૮૬ કરોડની ગ્રાન્ટ આપતી સરકાર
કટારિયા ચોકડીએ આઈકોનિક બ્રિજ ઉપરાંત રૈયા સ્માર્ટસિટી વિસ્તારમાં બ્રિજ સહિતના ટેન્ડર જૂન મહિનામાં થશે પ્રસિદ્ધ
રાજકોટની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો લાવવા માટે એક પછી એક બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. મહાપાલિકાના બજેટમાં કટારિયા ચોકડીએ આઈકોનિક (ઉડીને આંખે વળગે તેવો) બ્રિજ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અલગ-અલગ વિસ્તારોમાં નાના-મોટા બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે સરકારના શહેરી વિકાસ વિભાગ પાસે ૧૮૬ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી હતી જે આચારસંહિતા પૂર્વે જ આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા કટારિયા ચોકડીએ આઈકોનિક બ્રિજ બનાવવા માટે ૧૩૮ કરોડ, રૈયા સ્માર્ટ સિટીમાં ડીપી રોડ ઉપર બ્રિજ બનાવવા માટે ૧૩.૫૦ કરોડ, કટારિયા ચોકડીથી સ્માર્ટ સિટી રોડ ઉપર ત્રણ બ્રિજ પહોળા કરવા માટે ૨૦ કરોડ અને ખોખડદડ નદી પર બ્રિજ બનાવવા માટે ૧૪.૨૯ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આમ કુલ ૧૮૬ કરોડની ગ્રાન્ટ મનપાને ફાળવી દેવાઈ છે પરંતુ હાલ લોકસભા ચૂંટણી અંતર્ગત આચારસંહિતા લાગુ હોવાને કારણે ટેન્ડર સહિતની પ્રક્રિયા થઈ શકે તેમ ન હોવાથી ૪ જૂને આચારસંહિતા ઉઠી ગયા બાદ બ્રિજનું કામ આગળ ધપનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
