ત્રીજું વિશ્વયુદ્ધ ટકોરા મારી રહ્યું હોવાની પુતિનની ધમકી
અમેરિકા અને નાટોને જવાબદાર ગણાવ્યા
ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ આક્રમક વલણ
અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ જેને સદીનું મોટું ફારસ ગણાવ્યું છે એ રશિયામાં યોજાયેલી ચૂંટણીમાં ૮૭ ટકા કરતાં વધારે એવી વિક્રમ સર્જક બહુમતીથી છ વર્ષ માટે ફરી પ્રમુખ તરીકે ચૂંટાયેલા પુતિને પરિણામો જાહેર થયાની સાથે જ ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી ઉછેરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું કે રશિયા અને અમેરિકાના નેતૃત્વવાળા નાટો દળોનું સીધું ઘર્ષણ ત્રીજા વિશ્વયુદ્ધમાં પલટાઇ શકે છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલા ફ્રાન્સના પ્રમુખ એમએન્યુએલ મેક્રોએ યુક્રેનમાં પશ્ચિમના દેશોની સેના મોકલવાની સંભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે તેમના એ વિચારથી પશ્ચિમના અનેક દેશોએ દુરી કરી લીધી હતી પણ પૂર્વ યુરોપના કેટલાક દેશોએ તેનું સમર્થન કર્યું છે.
આ અંગે એક સવાલના જવાબમાં પુતિને કહ્યું કે આધુનિક વિશ્વમાં કાંઈ પણ સંભવિત છે. એ વાતનો દોર આગળ ચલાવતા તેમણે કહ્યું કે બધા જાણે છે કે જો એવું બનશે તો આપણે ત્રીજા વિશ્વયુદ્ધ થી માત્ર એક જ ડગલું દૂર હશુ.
યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાએ ઇંગલિશ અને ફ્રેન્ચ ભાષા બોલતા સૈનિકોને પકડ્યા છે તેવો દાવો કરી તેમણે રણમેદાનમાં અત્યારે પણ નાટોના દળો ઉપસ્થિત હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ તેમના માટે જ સારું નથી કારણ કે આ સૈનિકો રણમેદાનમાં મરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયાના હિતોના રક્ષણ માટે યુક્રેનના ખાર્કિવ પ્રાંતનો કબજો લેવામાં રશિયા અચકાશે નહીં.